જયશીલ પટેલની ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી
પૂર્વ પ્રમુખ જગદીશભાઈ પરમારની સ્મૃતિમાં બોર્ડ પરીક્ષામાં જિલ્લાના પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓનું સન્માન કરાશે
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ), ભરૂચ સક્રિય પત્રકાર સંઘની ભરૂચ ખાતે મળેલ ૧૧ મી વાર્ષિક સામાન્ય સભામાં ઝઘડિયાના પત્રકાર અને હાલના કાર્યકારી પ્રમુખ જયશીલ પટેલની આગામી બે વર્ષ માટે સંઘના પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
ભરૂચ જીલ્લાના પત્રકારોનું સંઘ એવું ભરૂચ સક્રિય પત્રકાર સંઘની ૧૧ મી વાર્ષિક સામાન્ય સભા ભરૂચની માહિતી કચેરીના સભાખંડ ખાતે કાર્યકારી પ્રમુખ જયશીલભાઈ પટેલની અધ્યક્ષતામાં મળી હતી.સભાની શરૂઆત પૂર્વ પ્રમુખ સ્વર્ગીય જગદીશભાઈ પરમાર તેમજ સભ્ય મધુબેન જૈનના સ્વર્ગીય માતાને બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલિ અર્પણ કરી કરવામાં આવી હતી.
જે બાદ ગત કારોબારી અને વાર્ષિક સભાના ઠરાવોને તેમજ નાણાંકીય અહેવાલ રજૂ કરી તેને બહાલી આપવામાં આવી હતી.તો વર્ષ દરમ્યાન વિવિધ કાર્યકમોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સભ્યોનું તેમજ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર નીરૂબેન આહીર અને જયશીલભાઈ પટેલનું સંઘ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
આ તબક્કે સ્વર્ગીય પૂર્વ પ્રમુખ જગદીશભાઈ પટેલની સ્મૃતિમાં બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર જીલ્લાના પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓનું સન્માન કરવા તેમજ આગામી વર્ષના કાર્યક્રમોના આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.વાર્ષિક સામાન્ય સભાના અંતમાં આગામી બે વર્ષ માટે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ તરીકે ઝઘડિયાના પત્રકાર અને કાર્યકારી પ્રમુખ જયશીલભાઈ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે જયશીલભાઈ પટેલ થોડા સમય અગાઉ પૂર્વ પ્રમુખ ઈદ્રીશભાઈ કાઉજીએ રાજીનામું આપતા તેઓ ત્યાર બાદ સંઘના કાર્યકારી પ્રમુખ તરીકે નિમાયા હતા.દરમ્યાન પ્રમુખ પદ માટેની મુદત પુર્ણ થતાં આજરોજ સંઘની સામાન્ય બેઠકમાં જયશીલભાઈ પટેલની સંઘના પ્રમુખ તરીકે બિનહરિફ વરણી કરાતા સાથી પત્રકારો દ્વારા તેમને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
શાંત અને મિલનસાર સ્વભાવ ધરાવતા ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામના રહીશ અને ઝઘડિયા ખાતે ગુજરાત સમાચાર દૈનિકના અખબારના પ્રતિનિધિ જયશીલભાઈ પટેલની ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ તરીકેની વરણીને સહુએ આવકારી હતી.
આ પ્રસંગે નવનિયુક્ત પ્રમુખ જયશીલભાઈ પટેલે તેઓ સંઘના પ્રમુખ તરીકે પત્રકારોના અધિકારો અને સલામતિ માટે તેમજ પત્રકારત્વના મૂલ્યોના જતન માટે હંમેશ કટિબધ્ધ રહેશે તેવી ખાતરી આપી હતી. આ વાર્ષિક સામાન્ય સભામાં હોદ્દેદારો અને જીલ્લાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.તો સમગ્ર સામાન્ય સભાનું સફળ સંચાલન મહામંત્રી જીતુભાઈ રણા દ્વારા કરવામાં આવ્યું હતું.