વેકેશનમાં બહાર ફરવા જવાની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરવી ભારે પડશે!!
ફેસબુક-ઈન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયામાં ‘વોચ’ રાખીને ઘરફોડ ચોરીના ‘ટાર્ગેટ’ નક્કી કરતી ખતરનાક ગેંગ સક્રિય
અમદાવાદ, સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિ વેકેશનમાં બહારગામ ફરવા જાય ત્યારે ઉત્સાહમાં આવીને ફરવાના સ્થળ, કેટલા દિવસનો પ્રવાસ છે અને પરિવાર સાથે ક્યારે પરત ફરવાના છે
વગેરે જેવી સંવેદનશીલ માહિતી પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરતી વખતે કલ્પના પણ નહીં હોય કે તમારી આ એક પોસ્ટ ખતરનાક તસ્કર ટોળકીને ખુલ્લું આમંત્રણ આપી શકે છે અને તમારા ઘરમાં પડેલી કિંમતી ચીજવસ્તુઓ અને રોકડ રકમ પળવારમાં ચોરાઈ શકે છે.
આજકાલ શહેરમાં ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયામાં ‘વોચ’ રાખીને ઘરફોડ ચોરીના ‘ટાર્ગેટ’ નક્કી કરતી ખતરનાક ગેંગ સક્રિય થઈ હોવાનો દાવો પોલીસ સૂત્રોએ કર્યો છે. પોલીસ અમદાવાદીઓને ખાસ સલાહ આપે છે કે બહારગામ ફરવા જતી વખતે તેની કોઈ માહિતી તમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પક ન મૂકશો.
ઉનાળુ વેકેશનમાં લોકો પોતાના પરિવાર સાથે વતન કે પછી અન્ય સ્થળોએ ફરવા જતા હોય છે. વેકેશનમાં મોટા ભાગની સોસાયટીઓ કે પછી એપાર્ટમેન્ટમાં ઘણા લોકો હાજર ન હોવાથી આ સમયગાળામાં ચોરીના બનાવો અટકાવવા માટે ખાસ સતર્કતા રાખવાની જરૂર છે. શહેરમાં હાલમાં ઘરફોડ ચોરીના બનાવો ખૂબ જ વધી રહ્યા છે, જેને લઈને પોલીસ પણ સતર્ક બની છે.
ઉનાળો શરૂ થતાં જ શાળા-કોલેજાેમાં રજા પડી જાય છે અને લોકો બહારગામ ફરવા ઉપડી જાય છે. બસ આ સમયે તસ્કરો હાથ અજમાવતા હોય છે અને બંધ ઘરોમાં ચોરી કરતા હોય છે. ઉનાળુ વેકેશનના સમયગાળા દરમિયાન માત્ર રાત્રે જ નહીં પરંતુ દિવસ દરમિયાન પણ ચોરીના કિસ્સામાં વધારો જાેવા મળે છે.
પોલીસનું કહેવું છે કે, ચોર ટોળકીના સભ્યો સફાઈ કામદાર કે અન્ય કોઈ વસ્તુ વેચનારાનો સ્વાંગ ધરીને સોસાયટી કે રહેણાક બિલ્ડીંગની આસપાસ ફરતા હોય છે અને બંધ ઘરોની રેકી કરતા હોય છે. મોકો મળતાં જ તેઓ ચોરી કરે છે. આથી જ પોલીસ વેકેશનમાં ગામડે કે અન્ય સ્થળે પ્રવાસે જતી વખતે લોકોને સાવચેતી રાખવા અપીલ કરે છે.
પોલીસે બહારગામ ફરવા જતાં લોકોને કેટલીક ખાસ ઉપયોગી સલાહ આપી છે. હંમેશાં આ તમામ સલાહનું પાલન કરવાનું યાદ રાખો. એક તો ફરવા જાઓ ત્યારે ઘરમાં રોકડ રકમ ન રાખો. બહારગામ જતાં પહેલા કિંમતી જ્વેલરી બૅન્કના લોકરમાં મૂકી આવો. ઘરની બહાર નીકળતી વખતે પાડોશીઓ અને સિક્યોરિટી ગાર્ડને તમે હાજર નથી તેની જાણ કરો.
ફરવા જાઓ ત્યારે પણ ઘરની લાઈટ ચાલુ જ રાખો, જેથી તસ્કરોને થશે કે તમે ઘરમાં જ છો. બિલ્ડીંગમાં સુરક્ષા ગાર્ડ અને સીસીટીલી કેમેરાની વ્યવસ્થા ગોઠવો. તમારા બહારગામ જવાના કાર્યક્રમની વિસ્તૃત માહિતી કે તસવીર ક્યારેય સોશિયલ મીડિયા પર ન મૂકો.