ઓનલાઈન રૂપિયા પડાવવાનો નવો કિમીયોઃ તમારા નામે આવેલા પાર્સલમાં ડ્રગ્સ છે
‘તમારા પાર્સલમાંથી ૩પ૦ ગ્રામ ડ્રગ્સ મળ્યું છે’ કહી યુવતી પાસેથી ચાર લાખ ખંખેરી લીધા
ઈન્ટિરિયર ડિઝાઈનર યુવતીનું પાર્સલ ન હોવા છતાં ઠગબાજાેએ નાર્કોટિકસ વિભાગ, ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપી તેને ફસાવી હતી
(એજન્સી) અમદાવાદ, સાઉથ બોપલમાં રહેતી ઈન્ટિરિયર ડિઝાઈનર યુવતીને ‘તમારા પાર્સલમાંથી ૩પ૦ ગ્રામ ડ્રગ્સ મળ્યું છે’ તેમ કહીને નાર્કોટિકસ વિભાગ, ક્રાઈમબ્રાંચની ઓળખ આપી ઠગબાજાેએ ચાર લાખ રૂપિયા પડાવી લીધા છે. યુવતીનું કુરિયર ન હોવા છતાં ઠગબાજાેએ તેને જાળમાં ફસાવી હતી. Parcel in your name contains drugs
સાઉથ બોપલમાં રહેતી અને પ્રહલાદનગર ખાતે એક સ્ટુડિયોમાં ઈન્ટિરિયર ડિઝાઈનર તરીકે નોકરી કરતી હિના દોશીએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તા.ર૬.૧.ર૦ર૩ના રોજ હિના તેના ઘરે હાજર હતી ત્યારે સવારના સમયે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો.
ફોન કનારે હિનાને કહ્યું હતું કે હું મુંબઈ અંધેરી ઈસ્ટ ફેડેક્સ પાર્સલ સર્વિસમાંથી બોલું છું. તેણે વધુમાં કહ્યું હતું કે અમને તમારા થકી મુંબઈથી તાઈવાન મોકલાવેલ કુરિયરમાં કપડા, પાસપોર્ટસ પાંચ ડેબિટ તથા ક્રેડિટ કાર્ડ સહિત ૩પ૦ ગ્રામ ડ્રગ્સ અને અગત્યના ગેરકાયદે ડોકયુમેન્ટ મળી આવેલ છે પાર્સલ કેન્સલ કરવામાં આવે છે.
આથી હિનાએ ફોન કરનાર ગઠિયાને કહ્યું હતું કે આવું કોઈ પાર્સલ કુરિયરથી મોકલાવ્યું નથી. આથી ગઠિયાએ હિનાને પોલીસ ઈન્કવાયરી વિભાગને ફોન કનેકટ કરી આપું છું તેમ કહીને અન્ય શખ્સ સાથે વાત કરાવી હતી.
અન્ય શખસે હિનાને કહ્યું હતું કે હું મુંબઈ પોલીસમાંથી બોલું છું તમારા પર ક્રાઈમ બ્રાન્ચનો કેસ છે જેથી તમે મુંબઈ આવી જાઓ અથવા તમને વોટસઅપ કોલ આવે તેમાં કુરિયર બાબતે વેરિફાઈ કરાવી લો. થોડીવારે હિના સાથે પર નાર્કોટિકસ ડિપાર્ટમેન્ટમાંથી વાત કરું છું તેમ કહીને કોઈએ વાતચીત કરી હતી.
ગઠિયાએ હિનાને કહ્યું હતું કે તમે આવું કેટલા સમયથી કરો છો તમે કેટલા બેન્ક એકાઉન્ટ વાપરો છો તેની માહિતી મોકલો. તમારા એકાઉન્ટમાં કેટલા રૂપિયા છે તેની વિગત અમને મોકલી આપો. અમારે રૂપિયા ચેક કરવા પડશે તે બ્લેકના છે કે કેમ? આથી હિનાએ ટુકડે ટુકડે ચાર લાખ રૂપિયા ઠગબાજાેને ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા
ત્યારબાદ ઠગબાજાે વધુ રૂપિયા માગતા હોવાથી તેણે ફોન કાપી નાખ્યો હતો. હિના સાથે ઠગાઈ થઈ હોવાથી તેણે તાત્કાલિક બોપલ પોલીસ સ્ટેશનમાં જઈને ઠગબાજાે વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.