8 લાખના ખર્ચે બનેલું જગાણા ગામનું શૌચાલય ધૂળ ખાય છે
(તસ્વીરઃ ભગવાનભાઈ સોની,પાલનપુર) સમગ્ર જિલ્લામાં રાજકીય નેતૃત્વમાં અગ્રેસર પાલનપુર તાલુકાના જગાણા ગામમાં આજે પણ જાહેર શૌચાલય નથી. તેથી ગ્રામજનો તથા ખાસ કરીને મહીલાઓને જાહેર શૌચાલયના અભાવે શૌચક્રિયા માટે ખુબ તકલીફો ભોગવવી પડે છે.
જગાણા ગામમાં વર્ષ- ૨૦૧૫-૧૬ માં જિલ્લા આયોજન મંડળ, બનાસકાંઠાની રૂ. ૮.૦૦/- લાખની ગ્રાન્ટમાંથી બનવાયેલ આ જાહેર શૌચાલય આજે પણ ધૂળ ખાય છે.
જિલ્લા કક્ષાની વિવેકાધિન જાેગવાઇમાંથી તત્કાલીન પ્રભારી મંત્રી દ્વારા ફાળવાયેલી આ ગ્રાન્ટમાંથી બનાવાયેલ આ શૌચાલયને શુલભ શૌચાલયનું રૂપકડું નામ તો અપાયું છે પરંતું આ જાહેર શૌચાલયને આજે પણ ખંભાતી તાળું મારેલું છે અને તેની આજુબાજુ બાવળીયાના ઝાડનું સામ્રાજ્ય વિસ્તરેલું નજરે પડે છે.
જગાણા ગામમાં જ્યારથી આ શૌચાલય બનાવવામાં આવ્યું છે ત્યારથી પાણી કે રસ્તાની કોઇપણ પ્રકારની સગવડ કરવામાં ન આવતા અને તેને ખુલ્લું મુકવામાં ન આવતા અગાઉના બે- બે સરપંચો પર ગામલોકો ફીટકાર વરસાવી રહ્યા છે અને વર્તામાન સરપંચ આ શૌચાલયની મરામત કરાવીને તેને શરૂ કરાવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.