ઈંટો મારી 5 લાખની લૂંટ ચલાવનાર અંકલેશ્વરમાંથી ઝડપાયો
અમદાવાદમાં ૫ લાખની લૂંટ ચલાવનાર રીક્ષા ચાલકને અંકલેશ્વરમાંથી ઝડપી લીધો-ડોલરને રૂપિયામાં રૂપાંતરિત કરવાના નામે લૂંટ ચલાવનાર ઈસમ ઝડપાયો
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) , અમદાવાદના સેટેલાઈટમાં ૬ દિવસ પેહલા એક વ્યક્તિને ઈંટો વડે માર મારી રૂપિયા ૫ લાખ રોકડા ભરેલા થેલાની ચલાવાયેલી લૂંટમાં ભરૂચ એલસીબી પોલીસે અમદાવાદના રીક્ષાવાળાને અંકલેશ્વરથી એન્ગેજ કરી લીધો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના સેટેલાઈટ પોષ વિસ્તારમાં ૧૮ મે એ બપોરે ગાર્ડન હઠીસિંહ વાડી પાસે એક વ્યક્તિને ઈંટો મારી ૪ શખ્સોએ ૫ લાખની લૂંટ ચલાવી હતી. ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઈન્સ્પેકટર ઉત્સવ બારોટને આ ટોળકીનો એક આરોપી અંકલેશ્વરમાં હોવાની માહિતી મળતા પી.આઈ સાથે જે.એન. ભરવાડ, પી.એમ.વાળા સહિતનો એલસીબી સ્ટાફ અંકલેશ્વર વોચમાં ગોઠવાયો હતો.
આ દરમ્યાન પ્રતિન ચોકડી પર શકમંદ લૂંટારું ટોપીવાળી ટીશર્ટમાં મળી આવતા તેને કોર્ડન કરી રાઉન્ડ અપ કરી લેવાયો હતો.આરોપીની પૂછપરછમાં તે સુરેન્દ્રનગરનો મહિપાલસિંહ ઉર્ફે શક્તિ અરવિંદ ડોડીયા હોવાનું કહ્યું હતું.પોતે રીક્ષા ડ્રાઈવર હોય અને તેમાં સારી આવક થતી નહિ હોવાથી તેના તેં મિત્રો યગ્નેશ,મિતેષ અને રવિ સાથે મળી વધુ કમાણી કરવા લૂંટનો પ્લાન ઘડી નાખ્યો હતો.
આ ટોળકી તેમની પાસે ડોલર હોવાનું કહી તેને ઈન્ડિયન રૂપિયામાં ટ્રાન્સફર કરવા શ્રીમંતોને કોલ કરતા હતા.બપોરના સુમારે તે વ્યક્તિને એકલી બોલાવી માર મારી રોકડા રૂપિયા લૂંટી લેતા હતા.
હાલ તો ભરૂચ એલસીબી પોલીસના હાથે ઝડપાયેલ આરોપી અંગે સેટેલાઈટ પોલીસને જાણ કરી અન્ય ત્રણને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.