Western Times News

Gujarati News

અમદાવાદના ચાર તળાવોમાં પાણી શુધ્ધિકરણના ડેમો લેવાશે- પછી નદી શુધ્ધિકરણનો કોન્ટ્રાકટ

વધુ એક અખતરો 

સાબરમતી શુધ્ધિકરણનો કોન્ટ્રાકટ આપતા પહેલા ઈસનપુર, આર.સી. અને પ્રહલાદનગરના પાણી શુધ્ધ કરવાની ચેલેન્જ આપવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરની ધરોહર સાબરમતી નદીને શુધ્ધ કરવાના તમામ પ્રયાસો નિષ્ફળ સાબિત થયા બાદ મનપાએ શુધ્ધિકરણની જવાબદારી રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ લીમીટેડ ને સોપી છે. સાબરમતી રીવરફ્રન્ટ લી.દ્વારા જાહેર કરવામાં આવેલ “એકસપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ”માં પાંચ સંસ્થાઓએ ભાગ લીધો છે. આ તમામ સંસ્થાઓ પાંચ અલગ-અલગ સ્થળે પાણી શુધ્ધિકરણની “ડેમોસ્ટ્રેશન આપશે. સાબરમતી રીવરફ્રન્ટ લીમીટેડ દ્વારા માટે ચાર તળાવ અને એક સ્થળે ખાડામાં પાણી ભરીને “ડેમો” લેવામાં આવશે.

મ્યુનિસિપલ કમીશ્નરે જુન મહીનામાં સાબરમતી નદીને માત્ર ચાર મહીનામાં શુધ્ધ કરવા માટે જાહેરાત કરી હતી. તથા તેના માટે ચાર દિવસ મહેનત કરી છે. ફોટા પડાવી પ્રસિધ્ધ મેળવી હતી. મ્યુનિ. કમીશ્નરે તે સમયે કરેલ દાવા મુજબ નદીમાં દૈનિક ૧૮૦ એમએલડી અશુધ્ધ પાણી મનપા દ્વારા જ છોડવામાં આવે છે.

તેને બંધ કરવામાં આવ્યું છે. તથા નદીને શુધ્ધ કવરા માટેની બાકી તમામ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. મ્યુનિ.કમીશ્નરે ૧૮૦ એમએલડી અશુધ્ધ પાણી બંધ કરવામાં આવ્યુ હોવાની જાહેરાત કરી હતી પરંતુ તે પાણી કયાં “ડાયવર્ટ” કરવામાં આવ્યું છે. તેના જવાબ કમીશ્નર અને ને સીટી ઈજનેર પાસે નથી ! સીટી ઈજનેર આ મામલે ઈન્ટરલેટર લાઈનની દુહાઈ આપે છે. પરંતુ આ લાઈનમાંથી પાણીનો નિકાલ કયાં થાય છે તે બાબત હજી સુધી અધ્યાહાર છે.

મ્યુનિ.કમીશ્નર ની બદલી કે સીટી ઈજનેરની નિવૃત્તિ બાદ જ સાચી હકીકત બહાર આવશે તેવી ચર્ચા પણ ચાલી રહી છે. નદી શુધ્ધિકરણ માટે ભાટ ગામ તથા ડફનાળા પાસે એસટીપી બનાવવાની જાહેરાત પણ થઈ હતી. પરંતુ આ જાહેરાત કાગળ પર જ રહી છે. બંને ઠેકાણે જગ્યાના ઠેકાણા પડયા નથી. તેવી જ રીતે સીટી ઈજનેર તેમના કામક્ષેત્રમાં આવતી ડ્રેનેજ લાઈનોમાં છોડવામાં આવતા કેમીકલયુકત પાણી બંધ કરી શકયા નથી. જેના પરીણામે મનપા ના પ્લાન્ટમાંથી જ એસિડિક પાણીને બાયપાસ કરીને નદીમાં છોડવામાં આવી રહયું છે.

મ્યુનિ. કમીશ્નર અને સીટી ઈજનેર આ બાબત શી માહિતગાર છે. તેવી જ રીતે જલવિહાર ની નિષ્ફળતા ને છુપાવવા માટે સીટી ઈજનેર અથાક પ્રયાસ કરી રહયા છે. સુત્રોનું માનીએ તો જલવિહારના સાચા રીપોર્ટ જાહેર થાય તો સીટી ઈજનેરને ફરજીયાત નિવૃત્ત થવાની ફરજ પડી શકે છે.

સાબરમતી નદી શુધ્ધિકરણ માટે મ્યુનિ.કમીશ્નરે તમામ દાવા અને જાહેરાતો સીટી ઈજનેરના ભરોસે કર્યા હતા. પરંતુ સીટી ઈજનેર તેમની ક્ષમતા સાબિત કરવામાં નિષ્ફળ ગયા હોવાથી રીવરફ્રન્ટ લીમીટેડના ઈજનેર ખાતાને જવાબદારી સોપવામાં આવી છે. જેના માટે જે ટીમ તૈયાર કરવામાં આવી છે.

તેમાંથી સીટી ઈજનેરની બાદબાકી પણ થઈ ગઈ છે. સાબરમતી નદી શુધ્ધિકરણ માટે સુત્રો એ જણાવ્યા મુજબ પાણી શુધ્ધિકરણ માટે બાયોરેમેડીશન, બબલીંગ અને બેકટેરીયા એમ ત્રણ પ્રકારની ત્રણ પધ્ધતિ છે. ઈઓઆઈમાં જે પાંચ સંસ્થાઓએ રસ દાખવ્યો છે. તેમને ઈસનપુર પ્રહલાદનગર અને આર.સી ટેકનીકલ તળાવ ડેમો માટે આપવામાં આવ્યા છે. જયારે એક પાર્ટીએ નાના ખાડામાં પાણી ભરીને ડેમો આવશે. નદી શુધ્ધિકરણ માટે વર્ષે દરમ્યાન પાંચથી છ વખત આ કામગીરી કરવાની રહે છે.

સંસ્થાની કામગીરી અસરકારક લાગશે તો ભાવતાલના કવર ખોલવામાં આવશે. સદ્દર પ્રક્રિયાથી વાસણાથી વાડજ અને દાણીલીમડાથી ડફનાળા સુધીના વિસ્તારોમાં કામ કરવામાં આવશે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આકરા વલણ બાદ નદીના પાણીમાં બીઓડી અને સીઓડીની માત્રા ઘટાડવા માટે ખાસ કવાયત થઈ રહી છે.  પરંતુ ઈજજત બચાવવા માટે “સહેલાણીઓ”ના નામ આપવામાં આવી રહયા છે. તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.