લીમખેડાના વિરસીંગભાઇએ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળતા પોતાનું પાકું મકાન બનાવ્યું
પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ વિસ્તારમાં રહેતા અનેક ગરીબ લોકોના ઘરના ઘરનું સપનું સાકાર કર્યું છે. દાહોદના લીમખેડાના દુધિયા ગામે રહેતા નિનામા વિરસિંગભાઇ મનસુખભાઇએ આ યોજનાનો લાભ લઇને પોતાનું ઘર બનાવ્યું છે અને વર્ષોથી કાચા ઘરની અગવડોથી તેમને અને તેમના પરિવારને મુક્તિ મળી છે.
વિરસિંગભાઇ દાહોદના અંતરિયાળ ગામમાં ખુબ મુશ્કેલ પરસ્થિતિમાં રહેતા હતા. અહીં જંગલી જાનવરોના હુમલાના અનેક કિસ્સા બનતા હોય તેઓ કાચા મકાનમાં અસલામતી અનુભવતા હતા. શિયાળો હોય, ઉનાળો કે ચોમાસું તેમની મુશ્કેલીઓ પીછો છોડતી નહિ અને કાચા મકાનને કારણે દરેક ઋતુમાં પરેશાની થતી.
વિરસિંગભાઇને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ યોજનાનો લાભ મળતા તેઓ પોતાનું પાકું મકાન બનાવી શક્યા હતા. આવાસની યોજના અંતર્ગત રૂ. ૧.૨૦ લાખ ઉપરાંત મનરેગા યોજના અંતર્ગત મજૂરી પેટે રૂ. ૯૪૨૨ લાભ અપાયો છે. તેમજ સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત શૌચાલય રૂ. ૧૨૦૦૦ અને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ કનેક્શન પણ મળ્યું છે. આમ અહીંના ગરીબ પરિવારની એકસાથે અનેક મુશ્કેલીઓમાંથી સરકારની યોજનાઓ થકી મુક્તિ મળી છે.