11 સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની શાળાઓનું ૧૦૦ ટકા પરિણામ
રાજ્યની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની ૩૩ આદર્શ નિવાસી શાળાઓનું એસ.એસ.સી.નું સરેરાશ પરિણામ ૯૧.૨૩ ટકા
રાજ્યની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની ૩૩ આદર્શ નિવાસી શાળાઓનું એસ.એસ.સી.નું સરેરાશ પરિણામ ૯૧.૨૩ ટકા આવ્યું છે. આ શાળાઓ પૈકી ૧૧ શાળાઓએ ૧૦૦ ટકા પરિણામ મેળવ્યું છે એમ વિકસતી જાતિ કલ્યાણ ખાતાના નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર રાજ્યમાં વિકસતી જાતિ કલ્યાણ ખાતા હેઠળ ધોરણ ૯ થી ૧૨ સુધીની ૩૩ આદર્શ નિવાસી શાળાઓ કાર્યરત છે. ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રસિધ્ધ થયેલ માર્ચ-૨૦૨૩ના એસ.એસ.સી.ના પરિણામ ૬૪.૬૨ ટકા સામે રાજ્યભરની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની ૩૩ આદર્શ નિવાસી શાળાઓનું એસ.એસ.સી.નું સરેરાશ પરિણામ ૯૧.૨૩ ટકા આવ્યું છે.
વધુમાં યાદીમાં જણાવ્યું છે કે ૩૩ આદર્શ નિવાસી શાળાઓ પૈકી એસ.એસ.સી.ના પરિણામમાં ૧૦૦ ટકા પરિણામ મેળવનાર ૧૧ શાળાઓ છે, તેમજ ૧૦ શાળાઓએ ૯૧ થી ૯૯ ટકા તથા ૯ શાળાઓએ ૮૧થી ૯૦ટકા પરિણામ પ્રાપ્ત કર્યું છે. જ્યારે ૦૩ શાળાઓએ ૮૦ ટકાથી ઓછું પરિણામ મેળવ્યું છે.
આ ઉપરાંત નાપાસ થયેલ વિદ્યાર્થીઓ માટે વર્ષ ૨૦૨૩માં બોર્ડ દ્વારા લેનાર પૂરક પરીક્ષા ધ્વારા ૧૦૦% પરિણામ લાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે થઈ રહેલા પ્રયત્નોના કારણે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની આદર્શ નિવાસી શાળાઓ ઉત્તરોત્તર સારૂં પરિણામ હાંસલ કરી રહી છે.