નવા બનેલા મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની છતમાંથી ટપક્યું પાણી
અમદાવાદ, આઈપીએલની આખી સીઝન દમદાર રહી. ફાઈનલ મેચ અમદાવાદમાં યોજાવાની હતી જેને લઈને ફેન્સમાં ભારે ઉત્સાહ હતો. એમાંય ગુજરાતની ટીમ ફાઈનલમાં પહોંચી જતાં ગુજરાતીઓનો ઉત્સાહ ચરમ પર હતો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જાેવા માટે ફેન્સમાં થનગનાટ હતો.
પરંતુ કુદરત આગળ કોનું ચાલે? દર્શકોથી સ્ટેડિયમ ખીચોખીચ ભરેલું હતું અને મેચ શરૂ થવાની આતુરતા હતી પણ વરસાદે બધા પર પાણી ફેરવી દીધું. ચેન્નાઈ સુપરકિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાનારી આઈપીએલની મેચ વરસાદમાં ધોવાઈ ગઈ હતી. અમદાવાદમાં રવિવારે સમી સાંજે વરસાદે ભારે બેટિંગ કરી હતી.
જેથી મેચ કેન્સલ કરવી પડી અને દર્શકો ભારે હૈયે પાછા ફર્યા હતા. જાેકે, આ મેચ રિઝર્વ ડે પર એટલે કે આજે રમાશે. મેચ તો રદ થઈ પરંતુ બીસીસીઆઈની પોલ ખુલી ગઈ.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ પૈકીનું એક છે. અહીં ૧.૩૨ લાખ લોકો બેસી શકે તેટલી ક્ષમતા છે. ૨૦૨૧માં આ સ્ટેડિયમનું રિનોવેશન કર્યા બાદ ગ્રાન્ડ ઓપનિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ રવિવારે પડેલા ધોધમાર વરસાદમાં સ્ટેડિયમની છતમાંથી પાણી ટપકવા લાગ્યું હતું. સ્ટેડિયમમાં હાજર કેટલાક દર્શકોએ તેનો વિડીયો ઉતાર્યો હતો અને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. ભીડ એટલી બધી હતી કે લોકોને ટપકતા પાણીના લીધે પલળવું પડ્યું હતું.
બીસીસીઆઈ વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું ઉદ્ઘાટન થયે હજી બે વર્ષ થયા છે. એવામાં વરસાદે સ્ટેડિયમના બાંધકામની પોલ ખોલી દીધી છે. સોશિયલ મીડિયા પર લીક થતી છતનો વિડીયો વાયરલ થતાં બીસીસીઆઈની વ્યવસ્થા સામે પણ સવાલ ઉઠી રહ્યા છે.
ગત વર્ષે ચિન્નાસ્વામી સ્ટેડિયમની છતમાંથી પણ પાણી ટપકતું હોવાનો વિડીયો વાયરલ થયો હતો. આ સિવાય તેની સાફ-સફાઈને લઈને પણ સવાલ ઉઠતા રહ્યા છે. કેટલીયવાર મહિલા ફેન્સે બાથરૂમની વ્યવસ્થાને લઈને પણ પ્રશ્નો કર્યા છે.SS1MS