જાન્યુ.૨૦૨૪માં રાજકોટ ખાતે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું આયોજન
અમદાવાદ, સરદારધામ ટ્રસ્ટ દ્વારા વૈશ્વિક સ્તરે જાન્યુઆરી-૨૦૨૪માં રાજકોટ ખાતે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું (Global Patidar Business Summit 2024 Rajkot) ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ૭થી ૧૦ જાન્યુઆરીની વચ્ચે રાજકોટ ખાતે આ સમિટ યોજવામાં આવશે. જેમાં લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોને વિસ્તરવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. Organization of Global Patidar Business Summit at Rajkot in Jan.2024
તે ઉપરાંત યુવા ઉદ્યોગસાહસિકો અને મહિલાઓને પણ નવા સાહસો ખેડવા માટેની તક મળશે. આ સમિટમાં કરોડો રૂપિયાના બિઝનેસના કરારો થવાની અને હજારો યુવાનોને રોજગારીને તકો મળશે તેમ સરદારધામના અગ્રણીઓએ પત્રકાર પરિષદમાં જણાવ્યું છે.
સરદારધામની વિવિધ પ્રવૃત્તિના ભાગરૂપે સુરત ખાતે ૩૨ વીઘા જમીન પર સરદારધામ યુનિવર્સિટીની સ્થાપના થવા જઇ રહી છે અને આ સિઝનમાં ચોમાસા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તેનું ભૂમિપૂજન કરાશે તેમ પણ જણાવવામાં આવ્યું છે.
જીપીબીએસની વિશેષતાઓ અંગે જણાવતા તેના પ્રમુખ સેવક ગગજી જી.સુતરિયાએ જણાવ્યું હતું કે, આ સમિટમાં ૧૧૦૦થી વધુ બિઝનેસ કેટેગરીના એક્ઝિબિશન સ્ટોલ હશે. ૩૦ દેશોમાંથી ૧૦૦૦થી વધુ એક્ચ્યુઅલ ઇન્ટરનેશનલ ખરીદારોની ઉપસ્થિતિ રહેશે. સમિટ અંતર્ગત એક્ઝિબિશન-બિઝનેસ સેમિનાર અને બીટુબી મીટિંગ્સનું આયોજન પણ કરાશે.
મહિલા ઉદ્યોગ સાહસિકો, એગ્રિકલ્ચર, ડેરી સેક્ટર, જીપીબીઓના મેમ્બર માટે ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. દેશમાંથી અંદાજિત ૧૦ લાખ લોકો સમિટની મુલાકાત લેશે. સર્વ સમાજના ઉદ્યોગકારો માટે સ્પોનસરશિપ, સ્ટોલ બુકિંગની તક રહેશે. કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ એકમોની ભાગીદારી પણ આયોજનમાં રહેશે.
સરદારધામના વાઈસ પ્રેસિડેન્ટ નટુભાઈ પટેલે જણાવ્યું હતું કે, સરદારધામે મિશન-૨૦૨૬ અને વિઝન અંતર્ગત પાંચ લક્ષ્યાંકો નક્કી કર્યા છે. જેમાં બિલ્ડિંગ પ્રોજેક્ટ, જીપીએસસી અને યુપીએસસી ડિફેન્સ જ્યુડિશિયરી અને સિવિલ સર્વિસ કેન્દ્રો સ્થાપવામાં આવશે. ગ્લોબલ બિઝનેસ સમિટના આયોજનો કરાશે. ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઈઝેશન સક્રિય થશે. રાષ્ટ્રવાદી યુવા તેજસ્વીઓનું સંગઠન બનાવાશે અને જાગૃતિ ફેલાવાશે.