ધોડીપાડા ખાતે નાણામંત્રીની ઉપસ્થિતિમાં સાતમો સર્વજાતિ સમૂહલગ્નોત્સવ ઉજવાયો
કન્યાદાનને સૌથી મોટું દાન કહેવાયું છે એ કાર્ય રમણભાઈ છેલ્લા સાત વર્ષોથી કરી રહ્યા છેઃ મંત્રી કનુભાઈ
(પ્રતિનિધિ) ઉમરગામ, ઉમરગામ તાલુકાના ધોડીપાડા ખાતે નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ અને અન્ન નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતાના રાજ્યકક્ષાના મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક મંડળ ઉમરગામ દ્વારા આયોજિત સાતમો સર્વજાતિ સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો. જેમાં ૫૫ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.
નાણામંત્રી કનુભાઈ દેસાઈએ છેલ્લા સાત સાત વર્ષથી સમૂહલગ્ન જેવા ખૂબ જ મહત્વના સેવાકાર્યમાં આયોજન બદલ ધારાસભ્યશ્રી રમણભાઈ પાટકર અને એમના સહયોગીઓને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે કન્યાદાન એ શ્રેષ્ઠ દાન કહેવાયું છે અને રમણભાઈ પાટકર આ કાર્ય છેલ્લા સાત વર્ષથી કરી રહ્યા છે
અને હજુ પણ આવતા સમયમાં વર્ષો વર્ષ આ કાર્ય કરતા રહી સમાજની અપ્રતિમ સેવા કરતા રહે એવા અભિનંદન આપ્યા હતા. તેમજ નવદંપતી ઓને જીવનપર્યત સુખશાંતિનાં આશીર્વાદ આપ્યા હતા.
નવદંપતીઓને સુખમય જીવનના આશીર્વચન આપતા મંત્રીશ્રી ભિખુસિંહજીએ કહ્યું હતું કે, ગરીબ વધુ ગરીબ ન બને અને સામાજિક રિવાજાેમાં જે ખર્ચાઓ થાય છે તેમાંથી બહાર આવવા માટે સમૂહલગ્નો ની ખૂબ જ જરૂર છે. સમૂહલગ્ન કરાવવા એ ખૂબ જ મોટું કાર્ય છે કોઈ સામાન્ય બાબત નથી.
તેથી આ કાર્ય કરવા બદલ રમણભાઈ પટકરને અભિનંદન આપ્યા હતા. ઉમરગામ ધારાસભ્યશ્રી અને સમૂહલગ્નના મુખ્ય આયોજક શ્રી રમણલાલ પાટકરે ઉપસ્થિત સૌ મુખ્ય મહેમાનોનો આભાર માનતા કહ્યું હતું કે, જે લોકો લગ્નના ખર્ચાઓ કરી શકતા નથી મુખ્યત્વે તેઓ માટે આ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે.
ઉપસ્થિત મહેમાનો અને સમાજસેવી દાતાઓને કારણે જ સમાજસેવાનું આ કામ શક્ય બન્યું છે. ભવિષ્યમાં પણ દરેકની મદદથી આ કાર્ય કરતા રહીશું.
આયોજકો દ્વારા નવપરણિત યુગલોને જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓ જેવી કે, કબાટ, પલંગ, સોનાની કાનની બુટ્ટી, નથણી, પાયલ, મંગલસૂત્ર, રામાયણ, કિચન સેટ, ઘડિયાળ, સિલિંગ ફેન, વાસણો, સહિત ૩૮ વસ્તુઓ કરિયાવરમાં તરીકે ભેટમાં આપી હતી. વર-કન્યાના લગ્નના જાેડા અને મંગલસૂત્ર પણ સાંસ્કૃતિક મંડળ દ્વારા જ પુરા પાડવામાં આવ્યા હતા. તેમજ સૌ મહેમાનોના હસ્તે આશાવર્કર બહેનોને સાડી પણ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં વલસાડ સાંસદ ડો.કે.સી.પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ અલકાબેન શાહ, ડાંગ ધારાસભ્ય અને ઉપદંડકશ્રી વિજયભાઈ પટેલ, ધરમપુર, કપરાડા, ગણદેવીના ધારાસભ્યશ્રીઓ અરવિંદભાઈ પટેલ, જીતુભાઈ ચૌધરી, નરેશભાઈ પટેલ, સંગઠન પ્રમુખ હેમંત કંસારા, મહામંત્રી કમલેશ પટેલ, પુરવઠા અધિકારી કાજલ ગામિત, આયોજકો અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.