IPL2023: ફાઈનલ મેચના દિવસે મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાઈ
આઈપીએલની મેચમાં તસ્કર ફાવી ગયાઃ દર્શકોના ૫૦થી વધુ મોબાઈલ ચોરાયા
અમદાવાદ, ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ૧૬મી સિઝનની ફાઈનલ જીતીને ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે ઇતિહાસ રચી દીધો છે. કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટન્સીમાં ચેન્નઈ સુપર કિંગ્સ પોતાની પાંચમી ટ્રોફી જીતી ગયું છે. રવિવાર ૨૮ મેના રોજ વરસાદના કારણે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી આ મેચ મોકૂફ રાખવી પડી હતી
ત્યારે સોમવારે રિઝર્વ ડે પર મેચ રમાઈ હતી. રવિવારે અને સોમવારે મેચ જાેવા માટે એક લાખથી વધુ ક્રિકેટ રસિયા આવ્યા હતા. જેમાં મેઘરાજાએ મજા બગાડી હતી સાથે સાથે કેટલાક તસ્કરોએ પણ ક્રિકેટ રસિયાની મજા બગાડી હતી. તસ્કરો દર્શક બનીને મેચ જાેવા માટે આવ્યા હતા અને લોકોના મોબાઈલ ફોનની ચોરી કરી લીધી હતી. એક અંદાજ મુજબ સોમવારે ૫૦થી વધુ લોકોના મોબાઈલ ફોન ચોરાયા છે જેમાં પાંચ ફરિયાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
વેજલપુરમાં રહેતા રાજેશ તિવારી, બોપલમાં રહેતા રાહુલ ગાંધી, ઇશાન મલ્હોત્રા તેમજ સુરતમાં રહેતા અભિ કારિયા અને નારણપુરામાં રહેતા મૌલિક જસાણીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરીની ફરિયાદ કરી છએ. પાંચેય યુવકો સામવારે અને રવિવારે આઈપીએલની ફાઇનલ મેચ જાેવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવ્યા હતા.
એક લાખથી વધુ કેપેસિટી ધરાવતું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સોમવારે ક્રિકેટ રસિયાઓથી ખીચોખીચ ભરાઇ ગયું હતું. મેચ ચાલુ થવાના કલાકો પહેલાં અમદાવાદી સહિત ગુજરાતના વિવિધ ખૂણેથી ક્રિકેટ રસિયાઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવી પહોંચ્યા હતા.
એક તરફ પોલીસનો કડક બંદોબસ્ત હતો ત્યારે તસ્કરોને આટલી મોટી ભીડ જાેઈને મોજ પડી ગઇ હતી. તસ્કરો મેચ જાેવાના બહાને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવ્યા હતા અને તકનો લાભ લઈને મોબાઈલ ફોન તેમજ પર્સની ચોરી કરી હતી. સૂત્રોનાં જણાવ્યા અનુસાર રવિવારે અને સોમવારે ૫૦થી વધુ લોકોના મોબાઈલ ફોનની ચોરી થઇ છે.
જેમાં કુલ પાંચ ફરિયાજ હજુ સુધી નોંધાઈ છે. હજુ બીજા લોકો મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાવે તેવી શક્યતા છે. સ્ટેડિયમની અંદર તેમજ બહારથી સંખ્યાબંધ લોકોના મોબાઈલ ફોન ચોરાયા છે. અમદાવાદમાં જ્યારે જ્યારે આઈપીએલની મેચ રમાઈ હતી
ત્યારે ત્યારે ફોન ચોરાયાની અસંખ્ય ઘટનાઓ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. મોબાઈલની ચોરી કરતી અનેક ગેંગ મેચ વખતે સક્રિય થઇ હતી. તક અને ભીડનો લાભ લઇને ગેંગ મોબાઈલ ફોનની ચોરી કરીને રફુચક્કર થઇ ગઇ હતી. મોબાઈલ ચોરને પકડવા માટે સ્થાનિક પોલીસ, એલસીબી, તેમજ ક્રાઈમ બ્રાંચની ટીમ પણ કામે લાગી છે. એક અંદાજ મુજબ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી આઈપીએલની તમામ મેચમાં કુલ ૫૦૦થી વધુ મોબાઈલ ફોનની ચોરી થઇ છે.