Western Times News

Gujarati News

ઈદગાહ ચોકીથી ગીરધરનગર મહાકાળીના મંદિર સુધીનો રોડ પર અવર-જવર માટે પ્રતિબંધ મૂકાયો

ગિરધરનગર બ્રિજની કામગીરી અનુસંધાને વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન નક્કી કરતું પોલીસ કમિશનર, અમદાવાદ શહેરનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

અમદાવાદ શહેરમાં ઇદગાહબ્રિજની મધ્યમાં કોન્ક્રીટની રેલીંગનો વજન વધી જતા બ્રિજ નીચેથી પસાર થતી ટ્રેનો ઉપર કોન્ક્રીટ પડવાનો ભય રહેલ છે. આ બાબતે વેસ્ટર્ન રેલ્વે, અમદાવાદના સિનિયર સેક્શન એન્જીનીયર (બ્રિજ વિભાગ) દ્વારા જરૂરી સર્વે કરવામાં આવેલ છે.

જેથી કોઇપણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તે સારું રેલીંગ કાઢવાનું કામકાજ વેસ્ટર્ન રેલ્વે દ્વારા કરવાનું હોવાથી ઇદગાહ બ્રિજ બન્ને સાઇડ વાહન વ્યવહાર માટે બંધ કરીને આ બ્રિજ પરથી પસાર થતા તમામ પ્રકારના ટ્રાફિકની અવર-જવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન કરવામાં આવે છે.

હું, પ્રેમ વીર સિંહ, IPS, ઇ/ચા. પોલીસ કમિશનર, અમદાવાદ શહેર, મને મળેલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની પેટા કલમ ૩૩ (૧) (બી) (સી)ની સત્તા અન્વયે ઇદગાહબ્રિજ, અસારવા ખાતે વેસ્ટર્ન રેલ્વે, અમદાવાદ દ્વારા કરવામાં આવનાર કામગીરી અનુસંધાને વાહનોની અવર-જવર અને ટ્રાફિક પ્રવાહ સરળતાથી પસાર થાય તેમજ માર્ગ અકસ્માતો બનતા નિવારવા માટે નીચે મુજબનો હુકમ કરું છું.

વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત માર્ગ ની વિગત : 

ઈદગાહ પોલીસ ચોકીથી ગીરધરનગર સર્કલ મહાકાળીના મંદિર સુધીનો રોડ પ્રતિબંધિત રહેશે.
વૈકલ્પિક માર્ગની વિગત :

૧. કાલુપુરથી આવતો ટ્રાફિક ઇદગાહ સર્કલ થઇ અસારવા બ્રિજ થઇ અસારવા ચકલા થઇ સિવિલ હોસ્પિટલ તથા અસારવા તરફ જઇ શકાશે.

૨. શાહીબાગ તરફથી આવતો ટ્રાફિક ગિરધરનગર સર્કલ મહાકાળી મંદીરથી ડાબી બાજુ વળી ગિરધરનગર હાઉસિંગ સોસાયટી પ્રિતમપુરા બળીયાલીમડી થઇ અસારવા તેમજ સિવિલ હોસ્પિટલ તરફ જઈ શકાશે,

૩. ઈદગાહ બ્રિજ નીચે આવેલ ચાલીઓ તરફ જવા માટે મહાકાળી મંદિર થઈ કાશીની ચાલી જ્યુબિલી બ્લોક, બહુમાળી ભવન, જય મંગલ રેસીડેન્સી રાજનગર મીલ પાછળથી ઉત્તર ગુજરાત પટેલ સોસાયટી થઇ અસારવા મુખ્ય માર્ગ તરફ જઇ શકાશે.

આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૩ની જોગવાઇ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને તા.૩૧/૫/૨૦૨૩થી તા.૧૪/૬/૨૦૨૩ (દિન-૧૫) સુધી કરવાનો રહેશે.

આ જાહેરનામાના આદેશોનું ઉલ્લંઘન કરનાર ઇસમ ભારતીય ફોજદારી ધારા કલમ ૧૮૮ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.

આ હુકમ અન્વયે અમદાવાદ કમિશનરેટમાં ફરજ બજાવતાં સંયુક્ત / અધિક પોલીસ કમિશનરશ્રીના દરજ્જાથી પોલીસ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ઇ.પી.કો. કલમ-૧૮૮ તથા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ- ૧૩૧ મુજબ ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.