Western Times News

Gujarati News

૨૦ મહિનાથી જર્મની સરકારની કસ્ટડીમાં છે ૨ વર્ષની બાળકી

અમદાવાદ, ગુજરાતી કપલની ૨ વર્ષની દીકરી અરિહા શાહ છેલ્લા ૨૦ મહિનાથી જર્મનીની રાજધાની બર્લિનના સરકારી સંરક્ષણ કેંદ્રમાં છે. તેના માતાપિતા પર ત્રાસ આપવાનો આક્ષેપ કરીને જર્મન ઓથોરિટીએ અરિહાની કસ્ટડી લઈ લીધી હતી. અરિહાના માતાપિતા તેને પાછી મેળવવા માટે લડી રહ્યા છે.

શુક્રવારે ભારત સરકારે જર્મનીને વિનંતી કરી હતી કે, તેઓ અરિહાને ભારત પાછી મોકલી દે કારણકે તેના સતત વિદેશમાં રહેવાથી સામાજિક, સાંસ્કૃતિક અને ભાષાકીય અધિકારોનું હનન થશે.

આ મુદ્દે ભારત સરકાર અને અરિહાના માતાપિતા ખૂબ ચિંતિત છે. ૧૯ પાર્ટીઓના ૫૯ જેટલા સાંસદોએ પણ જર્મન એમ્બ્સેડર ફિલિપને પત્ર લખીને અરિહાને ઘરે પાછા લાવવા માટે મદદ કરવાની વિનંતી કરી છે. અરિહાના માતાપિતા પર તેને ત્રાસ આપવાનો આરોપ લગાવીને જર્મનીની સરકારે તેને કસ્ટડીમાં લઈ લીધી હતી.

અરિહાને ભારત પાછી લાવવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. ગત વર્ષે ભારતના વિદેશમંત્રી જયશંકરે જર્મનીના વિદેશમંત્રી એનાલેના બેયરબોક સાથે મુલાકાત કરી ત્યારે અરિહાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તેને ભારત પાછી મોકલી આપવાની રજૂઆત કરી હતી.

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ કહ્યું, અરિહાને તેના હાલના પાલક પાસેથી એકાએક લઈને વિશેષ સંરક્ષણ ગૃહમાં ખસેડાઈ હોવાની વાત જાણીને અમે હતાશ થયા છીએ. જે પ્રકારે આ ફેરફાર કરવામાં આવ્યો તે ચિંતાનો વિષય છે.

અમે અને તેના માતાપિતા માનીએ છીએ કે, આ પરિવર્તન તેના હિતમાં નથી.” અરિહાના પિતા મૂળ ભારતીય છે અને તેમને જર્મનીમાં નોકરીમાં મળી હતી. અરિહા સાત મહિનાની હતી ત્યારે ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ જર્મનીના યૂથ વેલ્ફેર ઓફિસ દ્વારા કસ્ટડીમાં લઈ લેવામાં આવી હતી. છેલ્લા ૨૦ મહિનાથી તે સંરક્ષણ ગૃહમાં છે, તેમ સરકારે જણાવ્યું છે.

સરકારે ફરીથી એ જ વાત કહી કે, અરિહા ભારતીય મૂળની છે અને જ્યારે તેને સંરક્ષણ ગૃહમાં મૂકવામાં આવે ત્યારે તેની નાગરિકતા, સામાજિક-સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લેવામાં આવે તે ખૂબ જરૂરી છે. ભારતમાં બાળ કલ્યાણ અને સુરક્ષાની સુવિધા ખૂબ સારી છે અને અહીં એવા કેટલાય પાલક માતાપિતા છે જે બાળકને પોતાના જ સામાજિક-સાંસ્કૃતિક માહોલમાં ઉછેરશે.

આ વાત ભારત સરકાર જર્મની સરકારને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ૨૦૧૮માં ભાવેશ શાહને બર્લિનમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે નોકરી મળી હતી. તે પત્ની ધારા સાથે બર્લિન રહેવા ગયા હતા. ૨૦૨૧માં અરિહા શાહનો જન્મ થયો હતો. એક દિવસ અરિહાને પ્રાઈવેટ પાર્ટમાં ઈજા થતાં લોહી નીકળવા લાગ્યું હતું જેથી તેઓ તેને હોસ્પિટલ લઈ ગયા હતા.

આ ઘટના અંગે હોસ્પિટલ દ્વારા ચાઈલ્ડ પ્રોટેક્શન ટીમને જાણ કરવામાં આવતા તેમણે પ્રાથમિક રીતે બાળકી પર ત્રાસ ગુજારવામાં આવતો હોવાનું તારણ કાઢ્યું હતું. જે બાદ બાળકીને જર્મન પ્રોટેક્શન ઓથોરિટીને સોંપવામાં આવી હતી. જાેકે, બાદમાં ત્રાસ ગુજારવાવાળો મુદ્દો સાબિત ના થયો છતાં અરિહાને તેના માતાપિતાને સોંપવામાં ના આવી. છેલ્લા દોઢ વર્ષથી અરિહાના માતાપિતા અને ભારત સરકાર તેની કસ્ટડી માટે લડી રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.