વરસાદે કેળાના પાક પર પાણી ફેરવ્યું, કરોડોનું નુકસાન
નર્મદા, ગઈ કાલે આવેલા વાવઝોડાએ નર્મદા જિલ્લાના ખેડૂતો હાલ બેહાલ કરી નાખ્યા છે. નર્મદા જિલ્લામાં બે હજાર એકર જમીનમાં વાવેલા કેળાના ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.
ત્યારે ખેડૂતોને પડ્યા માથે પાટું જેવો ઘાટ સર્જાયો છે. નર્મદા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડવાના કારણે રાજપીપળા શહેર સહિત તિલકવાડા, કેવડિયા, ગરુડેશ્વરમાં ધમાકેદાર વરસાદ પડ્યો હતો. વાવાઝોડા અને ગાજવીજ સાથે પડેલા વરસાદે ચારેકોર વિનાશ વેર્યો હતો. જેમાં કેટલાય ઘરોનાં પતરાં ઉડ્યા તો કાચા મકાનમાં નુકસાન થયું છે.
બીજી બાજુ વડિયા, કરાંઠા, રામપુરા, ગોપાલપુરા, શહેરાવ, ટંકારી, ભદામ, ધમણાચા, નારખડી, પોઇચા સહિતના અનેક ગામોમાં કેળના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે. રાજપીપળા શહેરમાં વીજ થાંભલા પડી જવાથી છેલ્લા ૨ કલાકથી વીજ પૂરવઠો ખોરવાયો છે. આ ઉપરાંત અનેક જગ્યાએ ઝાડ પણ પડી ગયા છે.
ત્યારે ભારે વાવાઝોડાને લઈ વડોદરા અને તિલકવાળા તાલુકાને જાેડતો દેવલિયા-નસવાડીનો રસ્તો વૃક્ષ પડવાથી બંધ થઈ ગયો છે. આ સિવાય હાઇવે પર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા અને રાહદારીઓ પણ અટવાયા હતા. જાે કે, હાલમાં પણ અનેક ઘરોને નુકસાન પહોંચતા લોકો બેઘર બન્યાં છે.
ત્યારે ખેડૂતોએ પણ નુકસાનની ભરપાઈ કરવા સરકારને મદદનો પોકાર કર્યો છે. જિલ્લામાં અંદાજિત બેથી ત્રણ હજાર એકર જમીનમાં ખેતી કરવામાં આવે છે. ત્યારે વરસાદે પાણી ફેરવી નાંખતા ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર નુકસાનનું વળતર આપે તેવી માગ કરવામાં આવી છે.
વાત કરતા કરતા ખેડૂત રડી પડ્યાં હતા. મહામહેનતે ઊભો કરેલા પાક પર પળવારમાં જ પાણી ફરી જતા જગતનો તાત ધ્રુસ્કે ચડ્યો હતો અને સરકાર પાસે નુકસાનના વળતરની માગ કરી હતી.SS1MS