Western Times News

Gujarati News

૯ વર્ષમાં ૪.૫૧ લાખ અને અમદાવાદમાં 50 હજારથી વધુ વિદ્યાર્થીઓએ સેલ્ફ ફાયનાન્સ શાળા છોડી સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ મેળવ્યો

પ્રતિકાત્મક

સમયની સાથે કદમ મિલાવીને આજની જરૂરિયાત પ્રમાણે શિક્ષણ વ્યવસ્થા રાજ્યની સરકારી સ્કૂલોમાં ઉપલબ્ધ કરાઇ*

ગુણવત્તાસભર શિક્ષણ વ્યવસ્થાના કારણે વાલીઓને સરકારી શાળાઓની શિક્ષણ વ્યવસ્થા પર વિશ્વાસ વધ્યો*

રાજ્યમાં સરકારી શાળાઓમાં વધેલી શૈક્ષણિક સુવિધાઓ અને અન્ય માળખાગત સુવિધાઓની સાથે ટેક્નોલોજીના સમન્વયથી વિદ્યાર્થીઓને શિક્ષણ અપાય છે, તેને પગલે સરકારી શાળાઓ સ્માર્ટ સ્કૂલમાં પરિર્વિતત થઇ રહી છે. આમ રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ સુધારવા માટે જે પ્રકારની કામગીરી થઇ રહી છે તેનું પરિણામ રૂપી એ ફળ મળ્યું છે કે સેલ્ફ ફાયનાન્સ શાળા છોડીને હવે વાલીઓ તેમના બાળકોને સરકારી શાળામાં મૂકતા થયા છે.

રાજ્યમાં છેલ્લાં ૯ વર્ષના આંકડા જોઇએ તો, અંદાજિત ૪ લાખ ૫૧ હજારથી વધુ વિદ્યાર્થીઓ સેલ્ફ ફાયનાન્સ શાળા છોડી સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. જ્યારે અમદાવાદ શહેરમાં છેલ્લાં ૯ વર્ષમાં અંદાજિત કુલ ૫૦,૨૮૮થી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલ છોડી સરકારી શાળામાં એડમિશન લીધું છે.

રાજ્યની વાત કરીએ તો વર્ષ ૨૦૧૪-૨૦૧૫માં કુલ ૪૫,૦૦૧ વિદ્યાર્થીઓ, ૨૦૧૫-૨૦૧૬માં ૪૯,૬૯૮ વિદ્યાર્થીઓ, ૨૦૧૬-૨૦૧૭માં ૫૯,૪૪૦ વિદ્યાર્થીઓ, ૨૦૧૭-૨૦૧૮માં ૫૧,૨૬૨ વિદ્યાર્થીઓ, ૨૦૧૮-૨૦૧૯માં ૫૦,૩૩૦ વિદ્યાર્થીઓ, ૨૦૧૯-૨૦૨૦માં ૫૦,૨૨૮ વિદ્યાર્થીઓ, ૨૦૨૦-૨૦૨૧માં ૪૦,૦૬૦ વિદ્યાર્થીઓ, ૨૦૨૧-૨૦૨૨માં ૪૪,૩૦૦ વિદ્યાર્થીઓ, ૨૦૨૨-૨૦૨૩માં ૬૦,૭૫૧ વિદ્યાર્થીઓએ સેલ્ફ ફાયનાન્સ શાળા છોડી સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે.

જ્યારે અમદાવાદ શહેરની વાત કરીએ તો, વર્ષ ૨૦૧૪-૨૦૧૫માં કુલ ૪૩૯૭ વિદ્યાર્થીઓ, ૨૦૧૫-૨૦૧૬માં ૫૪૮૧ વિદ્યાર્થીઓ, ૨૦૧૬-૨૦૧૭માં ૫૦૦૫ વિદ્યાર્થીઓ, ૨૦૧૭-૨૦૧૮માં ૫૨૧૯ વિદ્યાર્થીઓ, ૨૦૧૮-૨૦૧૯માં ૫૭૯૧ વિદ્યાર્થીઓ, ૨૦૧૯-૨૦૨૦માં ૫૨૭૨ વિદ્યાર્થીઓ, ૨૦૨૦-૨૦૨૧માં ૩૩૩૪ વિદ્યાર્થીઓ, ૨૦૨૧-૨૦૨૨માં ૬૨૮૯ વિદ્યાર્થીઓ, ૨૦૨૨-૨૦૨૩માં ૯૫૦૦ વિદ્યાર્થીઓએ સેલ્ફ ફાયનાન્સ શાળા છોડી સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે.

અમદાવાદ શાસનાધિકારી ડૉ.એલ.ડી.દેસાઈ કહ્યું કે, સરકારી નીતિઓને કારણે વાલીઓ સરકારી સ્કૂલ્સ તરફ વિચારતા થયા છે. રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ લાયકાત ઘરાવતા તાલિમબદ્ધ શિક્ષકો, માળખાકિય સુવિધામાં વધારો અને રાજ્ય સરકારની શિક્ષણ નીતિ વિષયક યોજનાઓ તેમજ બાળકોને મળતા લાભો વિશે વાલીઓને જાગૃત કરવામાં આવે છે.

આ બધા પરિણામોને કારણે વાલીઓ સરકારી સ્કૂલમાં પણ ખાનગી સ્કૂલ કરતા શ્રેષ્ઠ શિક્ષણ મળે છે તે જાણ્યા, અનુભવ્યા અને મુલાકાત લીધા બાદ તેમના બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાંથી ઉઠાવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવે છે.

ડૉ.એલ.ડી.દેસાઈ કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જ્યારે બે દાયકા અગાઉ મુખ્યમંત્રી તરીકે ગુજરાતની કમાન સંભાળી ત્યારથી રાજ્યમાં શિક્ષણની નવતર પરિભાષા વિકસી હતી. કોઇ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે શાળા પ્રવેશોત્સવની વિચારધારા અત્યંત ઉપયોગી પૂરવાર થઇ છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, એમ આ તબક્કે વાલીઓને વિશ્વાસ અપાવીએ છીએ કે સરકારી સ્કૂલ પર મૂકેલા વિશ્વાસને ટીમ સ્કૂલ બોર્ડ ૧૦૦ ટકા પૂર્ણ કરશે. નવા શૈક્ષણિક સત્ર માટે પણ શિક્ષકોને એડમિશન માટેની જવાબદારી સોંપવામાં આવી છે. આ શિક્ષકો દરેક વિસ્તારમાં જઈ વાલીઓને મળી સરકારી સ્કૂલ્સમાં એડમિશન લેવાના ફાયદા અંગે જણાવી રહ્યા છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના ચેરમેનશ્રી ડૉ.સુજય મહેતાએ કહ્યું કે, સરકારી શાળાઓમાં પણ ખાનગી સ્કૂલ્સની જેમ રમતગમતના મેદાન, હાઈટેક ટિચિંગ ક્લાસ, સ્વચ્છતા તથા ક્વોલિફાઈડ શિક્ષકો હોવાથી ખાનગી સ્કૂલ્સ સામે સ્પર્ધા શરૂ થઈ છે.

તેમણે ઉમેર્યું કે, સેલ્ફ ફાયનાન્સમાંથી સરકારી શાળામાં આવવાનું મુખ્ય કારણ એ પણ છે કે, સરકારી શાળાઓમાં મળતું ગુણવત્તાયુક્ત શિક્ષણ તેમજ સમયની સાથે કદમથી કદમ મિલાવીને ટેક્નોલોજી યુક્ત શિક્ષણ, સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શિક્ષણવિદ્ શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ બધી ખાસિયતોને કારણે સ્વભાવિક છે કે સરકારી શાળાઓમાં ખાનગી શાળા કરતા સારી સુવિધાઓ મળતી હોવાથી વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ સરકારી શાળા તરફ આકર્ષાયા છે અને એડમિશન પણ વધ્યા છે.

તેમણે વધુમાં કહ્યું કે, આ વર્ષે નવા સત્રમાં ઘણી સરકારી સ્કૂલોમાં વેઇટિંગ લિસ્ટ પણ જોવા મળી રહ્યું છે, આ વેઇટિંગ લિસ્ટ જ દર્શાવે છે કે સરકારી શાળા તરફ વાલીઓનો ખૂબ ધસારો જોવા મળી રહ્યો છે.

ખાનગી સ્કૂલમાંથી સરકારી સ્કૂલમાં પોતાના બાળકોનો પ્રવેશ કરાવનારા વાલીઓનું કહેવું છે કે, રાજ્ય સરકારે બાળકોને બાળમંદિરથી લઇને ઉચ્ચ શિક્ષણ સુધી શિક્ષાની દિશા આપવા માટે શિક્ષણનું સુદ્રઢ માળખુ વધુ સારી રીતે વિકસિત કર્યું છે. સમયની સાથે કદમ મિલાવીને આજની જરૂરિયાત પ્રમાણે શિક્ષણ વ્યવસ્થા સરકારી સ્કૂલોમાં કરવામાં આવી છે. રાજ્ય સરકારે શહેરથી લઇને ગ્રામિણ વિસ્તારોમાં સ્માર્ટ એજ્યુકેશન પર ભાર મૂકયો છે. *આલેખન – ગોપાલ મહેતા – પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.