સિગ્નલ ફેઈલ થવાથી નથી સર્જાયો બાલાસોરનો અકસ્માત: અસહમત અધિકારી
અધિકારીઓનું કહેવું છે કે, કમિશનર ઓફ રેલવે સેફ્ટીનો તપાસ રિપોર્ટ આવ્યા બાદ જ દુર્ઘટનાનું સાચુ કારણ જાણવા મળશે
નવી દિલ્હી, બાલાસોર ટ્રેન દુર્ઘટનાના કારણે રેલવેની અંદરના વિભાગમાં મતભેદ સામે આવ્યો છે. આ ભીષણ દુર્ઘટનાનું કારણ સિગ્નલમાં આવેલી ક્ષતિને બતાવવામાં આવ્યું છે, પરંતુ દુર્ઘટના પર તૈયાર થયેલા સંયુક્ત નિરીક્ષણ રિપોર્ટ પર હસ્તાક્ષર કરનારા રેલવેના એક વરિષ્ઠ એન્જિનિયરે દુર્ઘટનાના કારણ પર પોતાનો અલગ જ અભિપ્રાય રજૂ કર્યો છે.
અન્ય લોકોના અભિપ્રાય પર અસહમતિ દર્શાવતા એક અધિકારીએ પોતાના દાવોની પુષ્ટિ માટે ડેટાલોગર રિપોર્ટનો હવાલો આપ્યો છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનને લૂપ લાઈનની જગ્યાએ મેઈન લાઈ પર જવા માટે સિગ્નલ ગ્રીન હતું.
દુર્ઘટના પર અધિકારીના આ અલગ અભિપ્રાય પર રેલવેના અધિકારીઓનું કહેવું છે કે, શરુઆતની તપાસમાં વિભોગના અલગ અલગ અભિપ્રાયો કે કારણ બતાવવા એ સામાન્ય વાત છે. અધિકારીઓનું કહેવું છે કે, કમિશનર ઓફ રેલવે સેફ્ટીનો તપાસ રિપોર્ટ આવ્યા બાદ જ દુર્ઘટનાનું સાચુ કારણ જાણવા મળશે.
જેના માટે આપણે હજુ રાહ જાેવી પડશે. ડેટાલોગર એક માઈક્રોપ્રોસેસર આધારિત એક સિસ્ટમ છે, જે રેલવેના સિગ્નલિંગ સિસ્ટમ પર વોચ રાખે છે. આ ડેટાને સ્કેન, સ્ટોર અને પ્રોસેસ કરે છે. રિપોર્ટ તૈયાર કરવામાં તેની અને એકત્રિત કરવામાં આવેલા ડેટાનો ઉપયોગ કરવામાં આવી શકે છે.
રિપોર્ટ મુજબ, દુર્ઘટના બાદ સવાલોમાં ઘેરાયેલા બાલાસોરના સિગ્નલ એન્ડ કમ્યુનિકેશન વિભાગના એક વરિષ્ઠ સેક્શન એન્જિનિયર એકે મહંતા પેનલમાં સામેલ ચાર સભ્યોના અભિપ્રાયથી સહમત નથી. આ ચારેય સભ્યોનો મત છે કે, કોરોમંડલ એક્સપ્રેસના લોકો પાયલટને લૂપ લાઈન પર જવા માટે સિગ્નલ મળ્યું હતું અને આ જ લાઈન પર માલગાડી ટ્રેન પહેલેથી જ ઉભી હતી.
પેનલના આ સભ્યોએ દુર્ઘટનાનું કારણ સિગ્નલમાં આવેલી ખામીને દર્શાવી છે. મહંતાએ પોતાની નોટમાં કહ્યું કે, રિપોર્ટની આ વાતથી હું સહમત નથી, જેમાં કહેવામાં આવ્યું છે કે, પોઈન્ટ નંબર ૧૭એને લૂપ લાઈન માટે સેટ કરવામાં આવ્યો હતો. ડેટાલોગર રિપોર્ને જાેતા એવી ધારણા બને છે કે, પોઈન્ટ ૧૭ને સામાન્ય રાખવામાં આવ્યો હતો.
બની સકે છે કે, દુર્ઘટના બાદ એની સ્થિતિ બદલી દેવામાં આવી હોય. ઉલ્લેખનીય છે કે, ગયા શુક્રવારે ઓડિશાના બાલાસોરમાં કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન લૂપ લાઈન પર ઉભેલી એક માલગાડી સાથે ટકરાઈ હતી. જેમાં કોરોમંડલ એક્સપ્રેસના મોટાભાગના ડબ્બાઓ પાટા પરથી ઉતરી ગયા હતા.
એ જ સમયે ત્યાંથી પસાર થઈ રહેલી બેંગાલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસના કેટલાંક ડબ્બા કોરોમંડલ એક્સપ્રેસને ટકરાઈને પાટા પરથી ઉતરી ગયા હતા. આ ભીષણ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૨૮૮ લોકોનાં મોત થઈ ચૂક્યા છે અને ૧૦૦૦થી પણ વધુ લોકો ઘાયલ થયા છે.