શ્રી સોમનાથ મંદિર પરિસરમાં શ્રી ગણેશ અથર્વશીર્ષ પાઠ મહાઅનુષ્ઠાનનો પ્રારંભ
શ્રી સાંદિપની વિદ્યાનિકેતનના ઋષિકુમારોએ સોમનાથ ખાતે ગણપતિ અથર્વશીર્ષના પાઠ કર્યા
સોમનાથઃ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરનું મહાત્મ્ય પુરા વિશ્વમાં વિખ્યાત છે પરંતુ સોમનાથ મંદિર પરિસરમાં જ બિરાજમાન શ્રી કપર્દી વિનાયક ગણેશજી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરવા માટે વિશેષ રૂપે પૂજાય છે.
શ્રી ગણેશજીના પૌરાણિક કપર્દી વિનાયક સ્વરૂપને કષ્ટો હારવા માટે અને અષ્ટસિદ્ધિ નવનિધિના દાતા તરીકે ભક્તો પૂજતા આવ્યા છે. ત્યારે અત્યાર સુધીનું શ્રી ગણેશ નું સૌથી મોટું અનુષ્ઠાન સોમનાથ તીર્થમાં પ્રારંભ થયું છે. શ્રી ગણેશની સૌથી પ્રિય સ્તુતિ ગણપતિ અથર્વશીર્ષ ના સવાલક્ષ પાઠ ભાદરવા માસના ગણપતિ નવરાત્ર સુધીમાં સંપન્ન કરવાનું સોમનાથ ટ્રસ્ટે અનુષ્ઠાન કર્યું છે.
જેઠ કૃષ્ણ ચતુર્થી થી લઈને શ્રી ગણેશ નવરાત્ર સુધી પ્રત્યેક ચતુર્થીના રોજ ગુજરાતની વિવિધ સંસ્કૃતિ પાઠ શાળાના ઋષિ કુમારો સોમનાથ પરિસરમાં ગણેશજીના ચરણોમાં શ્રી ગણપતિ અથર્વશીર્ષના પાઠ કરશે. સમગ્ર ગુજરાતની પ્રત્યેક પાઠશાળા સોમનાથ ટ્રસ્ટના આ મહા અનુષ્ઠાનમાં સહભાગી બનશે જેનાથી સંસ્કૃત પાઠશાળાઓના જ્ઞાનના આદાનપ્રદાનના દ્વાર પણ ખુલશે.
આ મહા અનુષ્ઠાનમાં ઋષિકુમારોના ઓજસ્વી મંત્રોચ્ચાર થી પ્રેરણા લઈને અન્ય વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ અંગે પ્રેરિત થશે. સંકષ્ટી ચતુર્થી ના અવસર પર સાંદિપની વિદ્યાનીકેતનની સંસ્કૃત પાઠ શાળાના ૧૧૧ ઋષિકુમારો તેમજ સોમનાથ સંસ્કૃત પાઠ શાળાના ૨૮ ઋષિ કુમારો અને બંને પાઠ શાળાના ગુરુજી દ્વારા શ્રી ગણેશ અથર્વશીર્ષના પાઠ કરવામાં આવ્યા હતા.
સામુહિક રીતે ૬,૦૦૦ થી વધુ શ્રી ગણપતિ અથર્વશીર્ષના પાઠ સંપન્ન થયા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આવનાર પ્રત્યેક ઋષિ કુમારને ભક્તિમય પ્રસાદ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં સોમનાથ ટ્રસ્ટ નિર્મિત લઘુયજ્ઞ કીટ, સોમગંગા નિર્માલ્ય જળ, રુદ્રાક્ષ અને ભસ્મપ્રસાદ, અને સોમનાથ મહાદેવનો ફોટો ભેટમાં અપાયા હતા.
પાઠ સંપન્ન થયે સોમનાથ મહાદેવના મહા પ્રસાદ સ્વરૂપે ભોજન કરાવીને શ્રી સાંદિપની વિદ્યાનિકેતનના ઋષિ કુમારો અને ગુરુજનો ને સન્માનપૂર્વક વિદાયમાં આપવામાં આવ્યું હતું.
એકીસાથે મોટા સમૂહ ની અંદર ઋષિ કુમારો દ્વારા શ્રી ગણપતિ અથર્વશીર્ષના પઠનથી સોમનાથ તીર્થમાં ઊર્જાનો નવો સંચાર થયો હતો અને મહાદેવના દર્શને આવનાર ભક્તો પણ શ્રી ગણેશ ભક્તિમાં લીન થયા હતા.