રાજ્ય કક્ષાના લલિતકલા ગૌરવ પુરસ્કારથી 31 કલાકારોનું કરાયું સન્માન
અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા રાજ્ય કક્ષાના લલિતકલા ગૌરવ પુરસ્કાર પ્રદાન સમારંભ અને પ્રદર્શનનું આયોજન
વડીલ તથા યુવા કલાકારો સાથે મળીને પ્રાચીન કળાને નવી પેઢી સુધી આગળ વધારે: મંત્રી શ્રી મૂળુભાઈ બેરા
ગુજરાત રાજ્ય રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા વર્ષ 2016થી 2020ના ચાર વર્ષ દરમિયાનના ગુજરાત રાજ્ય લલિત કલા ગૌરવ પુરસ્કાર પ્રદાન સમારંભનું તથા પુરસ્કૃત કલાકારો દ્વારા રચિત કળાકૃતિઓના પ્રદર્શન કાર્યક્રમનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું.
ગુજરાત રાજ્યના પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી શ્રી મૂળુભાઈ બેરા હસ્તે કુલ 31 કલાકારોને લલિતકલા ગૌરવ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. ચિત્રકલા, છબીકલા, શિલ્પકલા (રેતશિલ્પ) ક્ષેત્રે આગવું પ્રદાન આપી ચૂકેલા કલાકારોને પુરસ્કાર રૂપે તામ્રપત્ર, રૂ. 51,000 તથા શાલ ઓઢાડીને સન્માનિત કરાયા હતા.
આ પ્રસંગે પ્રસંગિક ઉદબોધન આપતા મંત્રી શ્રી મૂળુભાઈ બેરાએ કહ્યું કે, સન્માનિત થયેલા તમામ કલાકારોએ ગુજરાતના કળાવારસામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. કોઈ પણ કારણોસર કલાકારોને કળામાં અડચણ ઊભી ન થાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે, એવું તેમણે ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, લલિત કલા અકાદમી પુરસ્કૃત વડીલ કલાકારો અને યુવા કલાકારો સાથે મળીને કળાના વારસાને આગળ લઈ જાય; યુવાઓ પણ વિવિધ કળાના ક્ષેત્રમાં રસ લેતા થાય તેવું વડીલોનું માર્ગદર્શન મળી રહે તથા અનોખી અને પ્રાચીન કળાને આગળ વધારવામાં તે મદદરૂપ થાય. વિવિધ કળાના ક્ષેત્રે કલાકારો ઊર્જાવાન રીતે આગળ વધે, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના મેળવે તેવી શુભેચ્છાઓ પણ તેમણે પાઠવી હતી.
આગવી ઓળખ અને અનોખી કળાના માલિક એવા આ 31 કલાકારો વિવિધ ક્ષેત્રો જેવા કે, ચિત્રકલા છબીકલામાં ઘણા વર્ષોથી પોતાનું યોગદાન આપી રહ્યાં છે. શિલ્પકલામાં પણ રેતશિલ્પ ક્ષેત્રે સૌપ્રથમવાર કોઈ કલાકારને ગુજરાત સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા તે નોંધનીય છે.
આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રીઓ અમિતભાઈ ઠાકર, અમિતભાઈ શાહ, ગુજરાત સરકાર રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમાર સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં વિવિધ ક્ષેત્રના કલાકારોએ અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.