પાલડી વિકાસ ગૃહમાંથી ફરી એક યુવતી ગુમ થતાં ચકચાર
અમદાવાદ: અમદાવાદમાં પાલડીમાં આવેલ વિકાસગૃહમાં ફરી એકવાર યુવતી ગુમ થવાનો મામલો સામે આવ્યો છે. જેને પગલે ભારે ચકચાર મચી ગઇ છે. પોલીસે ભાગી ગયેલી યુવતીને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે. અગાઉ પણ પાલડી વિકાસ ગૃહમાંથી યુવતીઓ ગુમ થવાના આવા અનેક મામલા સામે આવી ચૂક્યા છે.
વિકાસગૃહમાંથી યુવતીઓનું ભાગી જવું એ આ પહેલી વહેલી ઘટના નથી. હાલ તો પોલીસ ગુમ થયેલી યુવતીની શોધખોળ કરી રહી છે. તાજેતરમાં જ વિકાસગૃહમાં સામાજક કાર્યકર લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. દર વખતે શંકાની સોય વિકાસગૃહના સંચાલકો તરફ જ ઈશારા કરતી હોય છે. અમદાવાદના પાલડી વિકાસગૃહમાંથી ફરી એક વખત યુવતી ગુમ થઈ છે. ગત મોડી રાત્રે એક વાગ્યે યુવતી ગુમ થઈ હોવાનું અનુમાન છે. આ ઘટનાની જાણ થતા પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
પોલીસે એસટી અને રેલવે સ્ટેશન પર તપાસ હાથ ધરી હતી.. અગાઉ પર અનેક વખત પાલડી ગૃહમાંથી યુવતીઓ ગુમ થઈ છે. ત્યારે હવે ફરી એક વખત પાલડી ગૃહમાંથી યુવતી ગુમ થતા અનેક સવાલ ઉઠી રહ્યા છે. વિવાદો વચ્ચે ઘેરાયેલા પાલડીના વિકાસગૃહમાં વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રમાં ૩૫૦૦ રૂપિયાની લાંચ લેતા પકડાયેલા સામાજિક કાર્યકર લીના બી. શાહને ખાસ કોર્ટે એક દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે.
એસીબીની તપાસમાં ખૂલ્યું છે કે, આરોપી દ્વારા લેવામાં આવેલી લાંચની રકમ તેમના ઉપલા અધિકારીને આપવાની હતી. પાલડી વિકાસગૃહમાં મહિલા કલ્યાણ કેન્દ્રમાં સામાજિક કાર્યકર તરીકે લીના બી. શાહ નોકરી કરતી હતી આ પાંચ વર્ષની નોકરી દરમિયાન કેટલા પાસેથી લાંચ અથવા તો સોના-ચાંદીના દાગીના જેવી કિમતી ચીજ વસ્તુઓ મેળવી હોય તેની તપાસ કરવામાં આવશે.
પાલડી વિકાસગૃહમાં જુહાપુરામાં રહેતી સગીરાને કોર્ટના હુકમ મુજબ રાખવામાં આવી હતી.સગીરાના પરિવાર તેમની દીકરીને મળવા માટે વિકાસગૃહમાં ગયા ત્યારે ખબર પડી કે તે નાસી ગઈ છે. પરિવારજનોએ વિકાસગૃહના ગૃહમાતા સહિત ટ્રસ્ટીઓ પાસે પોતાની દીકરી મેળવવા માટે આજીજી કરી હતી ત્યારે ગૃહમાતાએ કહ્યુ કે અમે શોધી રહ્યા છે અને તમે પણ શોધવામાં મદદ કરો. પછી ગુમ થયેલી કિશોરીના પરિવારજનોએ પોલીસને કહ્યુ કે, વિકાસગૃહ દ્વારા હજુ સુધી કોઈ ફરિયાદ કરવામાં આવી નથી.