વાવાઝોડાંની શક્યતાને પગલે જામનગર-દ્વારકાની સ્કૂલોમાં રજા જાહેર
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૧૦૦ લોકોનું સ્થળાંતર
અમદાવાદ, વાવાઝોડાંની શક્યતાને પગલે હવામાન વિભાગે આગામી ૧૫ અને ૧૬ જૂને પવનની ગતિ અને વરસાદને જાેતા ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યા છે. જેમાં કચ્છ, જામનગર અને દ્વારકા જિલ્લાને રેડ એલર્ટ જાહેર કર્યા છે. આ ત્રણ જિલ્લામાં ૧૨૫થી ૧૩૫ કિલોમીટરની સ્પીડે ભારે પવન ફૂંકાશે તેમજ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.
પોરબંદરની શાળાઓમાં ૩ દિવસની રજાઓ જાહેર કરાઈ છે. જ્યારે દ્વારકાની શાળાઓમાં બે દિવસની રજા જાહેર કરાયાનું જાણવા મળે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ સ્કૂલોમાં ૨ દિવસની રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા નીચાણવાળા દરિયાઈ વિસ્તારમાંથી અત્યાર સુધી ૧૧૦૦ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.
દ્વારકા જિલ્લામાં ૧૨૫થી ૧૩૫ કિ.મી.ની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે તેમજ દરિયામાં ૨૫થી ૩૦ ફૂટ ઊંચા મોજા ઉછળી શકે છે જેને લઈ હવામન વિભાગે દ્વારકા જિલ્લાને ૧૫ તારીખે રેડ એલર્ટ જાહેર કર્યો છે.
Karachi Not again. #CycloneBiparjoy pic.twitter.com/iHoFJ1EZYe
— uzii (@uziihashmi_) June 11, 2023
ભારતીય હવામાન વિભાગના અહેવાલ અનુસાર આગામી ૬ કલાકમાં બિપરજાેય એક ગંભીર વાવાઝોડામાં રૂપાંતરિત થઇ શકે છે. તે ૧૫ જૂનની આજુબાજુ વાવાઝોડું બનીને ઉત્તર તરફ આગળ વધશે. હાલ તે ગુજરાતના પોરબંદરથી ફક્ત ૪૬૦ કિ.મી. દૂર દક્ષિણ-પશ્ચિમમાં અરબ સાગરમાં છે. તે ૫ કિ.મી. પ્રતિકલાકની ઝડપે સતત આગળ વધી રહ્યું છે.
૧૫ જૂન સુધી તે કચ્છના તટ સુધી પહોંચી શકે છે. પોરબંદરની નજીકમાંથી તે આશરે ૨૦૦થી ૩૦૦ કિ.મી. અને નલિયાથી ૨૦૦ કિ.મી.ની અંતરથી પસાર થવાની શક્યતા છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં આ વાવાઝોડું ત્રાટકશે તે નક્કી થઈ ગયું છે તેવું હવામાન વિભાગનું કહેવું છે.
આગામી ૧૪-૧૫ જૂનના રોજ ભારે વરસાદની પણ આગાહી છે. લોકોને દરિયા કિનારાથી દૂર રહેવાની સલાહ અપાઈ છે. તંત્ર દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરાવવાનું વિચારી રહ્યું છે.
પોરબંદરના દરીયો ગાંડોતુર બન્યો છે. સાંજે ૫ વાગ્યા બાદ દરિયામાં કરંટ જાેવા મળ્યો છે અને ૨૦ ફૂટ જેટલા ઉંચા મોજા ઉછળ્યા છે. આ ઉપરાંત જિલ્લા કલેક્ટરે સાવચેતીના ભાગરૂપે દરિયાકાંઠે કલમ ૧૪૪ લાગુ પાડી દેવામાં આવી છે. જેના કારણે કાંઠે અને ચોપાટી જવા ઉપર લોકો માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સંભવિત ‘બીપોરજાેય’ વાવાઝોડા ના પગલે હવામાન વિભાગ દ્વારા તમામ નવ બંદરો ઉપર ૪ નંબરના ભય સૂચક સિગ્નલો લગાવાયા છે, અને બંને જિલ્લા ના ડિઝાસ્ટાર મેનેજમેન્ટ દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.