દારૂનો અડ્ડો દૂર કરવાને બદલે આંગણવાડી શિફ્ટ કરવા આદેશ
આંગણવાડી કેન્દ્રના ૨૦ મીટરના દાયરામાં નિયમોની અવગણના કરીને દારૂનો ઠેકો ચલાવાઈ રહ્યાનો આરોપ
બિલાસપુર, હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લામાં આંગણવાડી કેન્દ્રની નજીક ચાલી રહેલા દારૂના ઠેકાનો વિરોધ થયો તો તેને હટાવવાની જગ્યાએ તેનાથી વિપરિત આંગણવાડી કેન્દ્રને જ શિફ્ટ કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો. આ મામલો બિલાસપુરના ઝુંડતામાં આવેલી બડગાંવ પંચાયતનો છે.
આ મામલે વિફરેલા ગ્રામીણોએ તંત્ર સામે આરોપ મૂક્યો કે આંગણવાડી કેન્દ્રના ૨૦ મીટરના દાયરામાં નિયમોની અવગણના કરીને દારૂનો ઠેકો ચલાવાઈ રહ્યો છે. ઝુંડતામાં બાળ વિકાસ પરિયોજનાના અધિકારી કાર્યાલય દ્વારા સપ્ટેમ્બર ૨૦૧૬થી અહીં આંગણવાડી કેન્દ્રનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.
બડગામ પંચાયતના પ્રમુખ સહિત અનેક ગ્રામીણોએ આરોપ મૂક્યો કે ૨૦૧૯માં નિયમોનું ઉલ્લંઘન કરી આંગણવાડી કેન્દ્રની નજીકમાં જ દારૂની દુકાન શરૂ કરાઈ. તેનો વિરોધ પણ કર્યો છતાં અત્યાર સુધી તેના પર કોઈ સુનાવણી થઈ નથી.
આબકારી અને કરવેરા વિભાગને આ મામલે ફરિયાદ પણ કરી છતાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવી.
ત્યારબાદ આંગણવાડી કેન્દ્રમાં આવતા બાળકોના વાલીઓ સાથે ચર્ચા કરવામાં આવી. બાળ વિકાસ પરિયોજનાના અધિકારીએ છેવટે કેન્દ્રનું જ સ્થાન બદલવાનો ર્નિણય કર્યો. તેમનું કહેવું છે કે રાજકીય દબાણને લીધે આ ર્નિણય લેવામાં આવ્યો. છેવટે બાળકોને કોઈ વ્યવસ્થિત કેન્દ્ર ન મળતાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.