છાત્રએ ચેટજીપીટીથી હોમવર્ક કર્યું, એક વાક્યથી પકડાયો
નવી દિલ્હી, હવે લગભગ દરેક માણસ ઓપન એઆઈ ચેટજીપીટી (Open AI ChatGPT) વિશે જાણે છે. ગયા વર્ષે નવેમ્બરમાં શરૂઆત થઈ ત્યારથી, ચેટજીપીટીએ પોતાનો દબદબો બનાવી લીધો છે. આ એપ બહુ ઓછા સમયમાં ઇતિહાસની સૌથી લોકપ્રિય એપ્લિકેશન બની ગઈ છે.
આ ચેટબોટ દરેકનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે કારણ કે તે માણસોની જેમ જવાબ આપે છે. જાેકે કેટલાક નિષ્ણાતો કહે છે કે તેના પર સંપૂર્ણપણે આધાર રાખવો એ માનવ માટે ખતરો બની શકે છે. ચેટજીપીટીને લઈને અનેક પ્રકારના અનોખા કિસ્સાઓ પણ સામે આવ્યા છે અને હવે આવો કિસ્સો સામે આવ્યો છે જેને લઈને ઈન્ટરનેટ પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ મળી જાેવા મળી રહી છે.
ધોરણ ૭માના વિદ્યાર્થીએ તેના અંગ્રેજી હોમવર્ક માટે ચેટજીપીટીનો ઉપયોગ કર્યો હતો, પરંતુ એક વાક્યને કારણે તે પકડાઈ ગયો હતો. આના પર યુઝર્સ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે, કેટલાક યુઝર્સ કહે છે કે, કોપી કરવા માટે પણ, અકલ જરૂરી છે.
વોલનટના સીઇઓ રોશન પટેલે (Roshan Patel, founder and CEO of healthcare startup Walnut) અસાઇનમેન્ટના ફોટો સાથે ટિ્વટર પોસ્ટમાં આ ઘટના શેર કરી હતી અને જણાવ્યું હતું કે, તેના પિતરાઇ ભાઇએ અંગ્રેજી હોમવર્ક પૂરું કરવા માટે ચેટજીપીટીનો ઉપયોગ કર્યો, પરંતુ એક જ વાક્યને કારણે તે રંગે હાથ પકડાઈ ગયો હતો.
હોમવર્ક અસાઇનમેન્ટમાં એક વિશેષ વાક્ય લખ્યું હતું કે, ‘એઆઈ ભાષાના મોડેલ તરીકે, મારી પાસે કોઈ વ્યક્તિગત અપેક્ષાઓ કે અભિપ્રાયો નથી.’ આ વાક્યના કારણે આ વિધાર્થીની પોલ ખુલી ગઈ અને તે પકડાઈ ગયો. જ્યારે આ મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થયો તો ઘણા લોકો હસવાનું રોકી શક્યા નહીં.
કેટલાકે કહ્યું કે, આજના બાળકો ટેક્નોલોજીનો અદ્ભૂત ઉપયોગ કરી રહ્યા છે. જાે કે, શિક્ષકો પણ સ્માર્ટ બન્યા છે, તેથી જ આ વિદ્યાર્થી ઝડપાયો. બીજી તરફ, કેટલાક યુઝર્સે લખ્યું કે વડીલોએ સાચું કહ્યું છે – નકલ કરવા માટે પણ બુદ્ધીની જરૂર છે. કેટલાક ત્યાં લખે છે કે, બધું સ્ક્રિપ્ટેડ છે.