Western Times News

Gujarati News

લગ્નનો વીડિયો યોગ્ય રીતે ન બનાવનારા ફોટોગ્રાફરને ૨૫૦૦૦નો દંડ ચૂકવવા નિર્દેશ

બેંગલુરૂ, કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં ફોટોગ્રાફરની બેદરકારી તેને મોંઘી પડી હતી. કન્ઝ્‌યુમર કોર્ટે તેના પર ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. એક યુવકે પોતાના લગ્નનો વીડિયો યોગ્ય રીતે ન બનાવવા માટે કન્ઝ્‌યુમર કોર્ટમાં ફરિયાદ કરી હતી,

જેના પર કોર્ટે કાર્યવાહી કરીને ૨૫,૦૦૦ રૂપિયાનું વળતર ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે. યુવકે તેના લગ્ન માટે ફોટોગ્રાફરને ૯ નવેમ્બર ૨૦૧૯ના રોજ ૧,૨૦,૦૦૦ રૂપિયામાં નક્કી કર્યા હતા.

પીડિતે દાવો કર્યો હતો કે કેમેરામેને પ્રી-વેડિંગ ઈવેન્ટ્‌સ અને લગ્નની ફોટોસ અને વીડિયો પોતે લઇ લીધા હતા, પરંતુ ફોટોગ્રાફર અગાઉના કરારનું ઉલ્લંઘન કરીને ફોટા મોકલ્યા વિના ગાયબ થઈ ગયો હતો. યુવક વારંવાર તેમના લગ્નના દિવસની ફોટો અને વીડિયો માટે પૂછતો હતો,

ફોટોગ્રાફરે કથિત રીતે તેને માર્ચ ૨૦૨૦ સુધી કેટલાક સેમ્પલ મોકલ્યા હતા. મહિનાઓ સુધી ફોટોગ્રાફરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યા પછી, આખરે જાન્યુઆરી ૨૦૨૧માં યુવકને કહેવામાં આવ્યું કે મુહૂર્તનો વીડિયો ગુમ છે અને ફોટોગ્રાફર ભૂલની ભરપાઈ કરવા તૈયાર છે.

યુવકે આનાથી પરેશાન થઈને ઓગસ્ટ ૨૦૨૧માં ફોટોગ્રાફરને કાનૂની નોટિસ મોકલી અને શાંતિનગર ખાતે બેંગલુરુના પ્રથમ વધારાના જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગનો સંપર્ક કર્યો હતો. ફોટોગ્રાફરના વકીલે કહ્યું કે તમામ આરોપો ખોટા અને પાયાવિહોણા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ફોટોગ્રાફર સાત વર્ષથી વેડિંગ ફોટોગ્રાફીના વ્યવસાયમાં છે અને સારી પ્રતિષ્ઠા ધરાવે છે. ફોટોગ્રાફરના વકીલે કોર્ટને જણાવ્યું કે ફરિયાદી અને તેની પત્ની લગ્ન સ્થળે મોડા પહોંચ્યા, જેના કારણે તેમની શૂટિંગની યોજનામાં વિલંબ થયો હતો.

વકીલના કહેવા પ્રમાણે, ફોટોગ્રાફરે તેના ક્લાયન્ટને લગ્ન પહેલા ૯૧ એડિટેડ ફોટોસ અને વીડિયો આપ્યા હતા. પરંતુ ગ્રાહક ચાર મહિના પછી પાછો ફર્યો અને દાવો કર્યો કે મુહૂર્તનો વીડિયો ગુમ થઈ ગયો છે. લેન્સમેને તેમના ડેટાબેઝમાંથી તેને પુનઃપ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ડિલીટ કરી દેવામાં આવ્યો હતો.

૩૦ મેના રોજ આપવામાં આવેલા તેમના ચુકાદામાં કન્ઝ્‌યુમર કોર્ટના ન્યાયાધીશોએ જણાવ્યું હતું કે ફોટોગ્રાફરની ભૂલ હતી. કોર્ટે નોંધ્યું હતું કે ફોટોગ્રાફરે ફરિયાદીને તમામ ફોટોસ અને વીડિયો આપ્યા હતા, પરંતુ મહત્વપૂર્ણ મુહૂર્તના વીડિયો ચૂકી ગયા હતા, જેના કારણે ફરિયાદી ખૂબ જ પરેશાન થઈ ગયા હતા.

કારણ કે તે ખાસ સ્મૃતિઓને જીવનભર જાળવી શક્યા નથી. કોર્ટે ચુકાદો આપ્યો હતો કે કેમેરામેને પીડિત યુવકને વળતર તરીકે ૨૫,૦૦૦ રૂપિયા અને કોર્ટના ખર્ચના ૫,૦૦૦ રૂપિયા વ્યાજ તરીકે ચૂકવવા પડશે. કોર્ટના આદેશની તારીખથી બે મહિનાની અંદર તમામ ચૂકવણી કરવી જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.