Western Times News

Gujarati News

પ્રત્યેક પરિવાર બાળકોના સારા સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ઉત્પાદનો જ ખરીદવાનો આગ્રહ રાખે એ જરૂરી: રાજ્યપાલ

પરિવારોના એક ‘ફેમિલી ડૉક્ટર’ હોય, એમ દરેક પરિવાર  ‘ફેમિલી પ્રાકૃતિક ખેડૂત’ સાથે જોડાય : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

રાજભવનમાં રાજ્યના અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી એ કહ્યું કે, તમામ પરિવારો પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઉત્પાદિત ઝેરમુક્ત અનાજ, શાકભાજી અને ફળ તથા દૂધ  ખરીદવાનો અને આહારમાં લેવાનો સંકલ્પ કરે. જેમ તમામ પરિવારોના એક ‘ફેમિલી ડૉક્ટર’ હોય છે એમ દરેક પરિવાર ‘ફેમિલી પ્રાકૃતિક ખેડૂત’ સાથે જોડાય. જો આવું થશે તો પછી ફેમિલી ડોક્ટરની આવશ્યકતા નહીં રહે.

રાજભવનમાં રાજ્યના અગ્રણી ઉદ્યોગપતિઓના એક સમૂહને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં સંબોધતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ગુજરાતમાં અત્યારે સાડા ચાર લાખ જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે. મે-૨૦૨૩ મહિનાના પહેલા દસ દિવસમાં જ ૪ લાખ, ૨૬ હજાર વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી છે.

વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. જિલ્લા કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ દ્વારા પ્રત્યેક જિલ્લામાં પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણકેન્દ્રો શરૂ કરાયા છે. તાલીમ આપી રહેલા ખેડૂતો અને ખેતીવાડી ખાતાના કર્મચારીઓ પ્રાકૃતિક ઉત્પાદનોના સર્ટિફિકેશનની જવાબદારી સંભાળી રહ્યા છે.

ત્યારે હવે પ્રત્યેક પરિવાર પોતાના બાળકોના સારા સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ઉત્પાદનો જ ખરીદવાનો આગ્રહ રાખે એ જરૂરી છે. તેમણે ઉદ્યોગપતિઓ આ દિશામાં પ્રેરણાદાયી કામ કરે, પોતાના પરિવારો ઉપરાંત સગા સંબંધીઓ અને પડોશીઓને પણ તેઓના સારા આરોગ્ય માટે પ્રાકૃતિક કૃષિ પેદાશો જ વાપરે એવા પ્રયત્નો કરવા તેમણે અનુરોધ કર્યો હતો. Every family should insist on buying only natural products for good health of children: Governor

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ઘરેલુ ઉત્પાદનોની વૃદ્ધિમાં, રોજગારીની તકો સર્જવામાં અને ભારતને આત્મનિર્ભર બનાવવા ગુજરાતની આત્મનિર્ભરતામાં ઉદ્યોગપતિઓનું મોટું યોગદાન છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ પ્રાકૃતિક ખેતી પદ્ધતિના વિકાસ માટે આગ્રહી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના વિકાસ માટે મિશન મોડ પર કામ શરૂ કર્યું છે ત્યારે માનવતાના આ કલ્યાણકારી કામમાં ઉદ્યોગપતિઓ પણ જોડાય. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે એવા પ્રયત્નો કરવા તેમણે અનુરોધ કર્યો હતો.

રાસાયણિક ખેતીથી અને કીટનાશક દવાઓના બેફામ ઉપયોગથી અનાજ, દૂધ, શાકભાજી અને ફળફળાદીમાં આપણે આપણા જ બાળકોને અને પરિવારજનોને ધીમું ઝેર ખવડાવીએ છીએ. પરિણામે પરિવારો ગંભીર રોગનો ભોગ બની રહ્યા છે. જો આમ જ ચાલ્યું તો કેન્સર, હાર્ટએટેક અને ડાયાબિટીસ જેવા ગંભીર રોગોની સંભાવના વધતી જવાની છે.

એટલું જ નહીં, હવે તો પશુઓમાં પણ કેન્સર જેવા રોગ દેખાવા માંડ્યા છે. ઝેરયુક્ત ખોરાકથી માણસોના મન પણ દૂષિત થઈ રહ્યા છે. આહાર શુદ્ધ હશે તો જ સમાજના વિચારો પણ શુદ્ધ થશે; એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉદ્યોગપતિઓને આહવાન કર્યું કે, આજે સૌ સંકલ્પ લઈએ કે આજથી હવે આપણે પ્રાકૃતિક આહાર જ ઘરમાં લાવીશું.

મિત્રો, પરિવારજનો અને સંબંધીઓને પણ પ્રાકૃતિક આહાર લેવા માટે પ્રેરિત કરીશું. તેમણે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અને તેની અનિવાર્યતા વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રકૃતિનું સમતોલન જાળવવા, નિરોગી રહેવા, ઝેરમુક્ત પ્રાકૃતિક આહાર જ લેવા સૌને અનુરોધ કર્યો હતો.

પ્રાકૃતિક ખેતીના સંયોજક મહાત્મા શ્રી પ્રફુલભાઈ સેંજલીયા અને તેમની ટીમ દ્વારા સંયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદના આરંભે ઉદ્યોગપતિ શ્રી રાકેશભાઈ દુધાત (શ્રી હરિ ગ્રુપ) એ સ્વાગત ઉદબોધનમાં કહ્યું હતું કે, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિમાં નવી ચેતનાનો સંચાર કર્યો છે.

તેમના પ્રયત્નોથી હતાશ ખેડૂત પ્રોત્સાહિત થયો છે. પ્રાકૃતિક ખેતી પેદાશોના ઉત્પાદનથી લઈને વેચાણ સુધીની તેમની ચિંતા માટે તેમણે તમામ ખેડૂતો અને ઉદ્યોગપતિઓ વતી રાજ્યપાલ શ્રી પ્રત્યે આભારની અભિવ્યક્તિ કરી હતી. આ પ્રસંગે અગ્રણી ઉદ્યોગપતિઓ શ્રી કનુભાઈ પટેલ (અમેરિકા) અને શ્રી દુષ્યંતભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં કૃષિના મિશનમાં પૂર્ણ સહયોગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ પરિસંવાદમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એ. કે. રાકેશ, રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ શ્રી રાજેશ માંજુ, આત્માના ખાસ ફરજ પરના અધિકારી શ્રી દિનેશ પટેલ, આત્માના નિયામક શ્રી પ્રકાશભાઈ રબારી, અગ્રણી ઉદ્યોગપતિઓ શ્રી

ભરતભાઈ ગઢીયા (શક્તિ ડેવલપર્સ), શ્રી રમેશભાઈ કાકડીયા (શીશ જ્વેલર્સ) શ્રી ભરતભાઈ પટેલ (પાલનપુર) શ્રી વસંતભાઈ લીંબાસીયા (વૃંદાવન ડેરી, રાજકોટ) અને ગુજરાત પ્રાકૃતિક યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉ. સી. કે. ટિમ્બડીયા અને ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.