રામ મંદિર નિર્માણને કોઇપણ અટકાવી શકશે નહીં
બોકારો: સુપ્રીમ કોર્ટ દ્વારા અયોધ્યા મામલામાં ચુકાદો આવી ગયા બાદ રામ મંદિર નિર્માણનો માર્ગ મોકળો થઇ ચુક્યો છે. ઝારખંડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ બાદ હવે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પણ ચૂંટણી જનસભા દરમિયાન રામ મંદિરને લઇને મોટી વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, અમે ચૂંટણી ઘોષણાપત્રમાં વચન આપી ચુક્યા હતા તે મુજબ જ હવે અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બનાવવા જઇ રહ્યા છીએ. પહેલા કેટલીક પાર્ટીઓ અમારા વચનને લઇને વાંધો ઉઠાવતી હતી પરંતુ હવે મંદિર નિર્માણથી અમને કોઇ રોકી શકે તેમ નથી. કેન્દ્રીયમંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે, અમે દેશના દરેક રાજ્યમાં એનઆરસી લાગૂ કરવા જઈ રહ્યા છે. દરેક ભારતીયને આ બાબત જાણવાનો અધિકાર છે કે, તેની જમીન પર કોણ ગેરકાયદે પ્રવાસી રહે છે. કેટલાક પક્ષોને આમા પણ અમારી ભુલ લાગે છે. અમે તેમને સાંપ્રદાયિક દેખાઈ રહ્યા છે.
ઝારખંડમાં પ્રથમ ચરણના મતદાન બાદ જ સ્પષ્ટ થઇ ગયું છે કે, ભારતીય જનતા પાર્ટી પૂર્ણ બહુમતિ સાથે સરકાર બનાવવા જઈ રહી છે. ભાજપના પ્રધાનમંત્રી, મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ ઉપર કોઇપણ આંગણી ઉઠાવી શકે નહીં. ભ્રષ્ટાચારને લઇને કોઇ આંગણી ઉઠાવી શકે તેમ નથી. અગાઉ મોદીએ ડાલ્ટનગંજમાં ચૂંટણી સભામાં કહ્યું હતું કે, મંદિર નિર્માણનો માર્ગ મોકળો થઇ ચુક્યો છે. કોંગ્રેસના કામ કરવાના તરીકા સમસ્યાઓને ટાળવા અને વોટ માંગવા માટેના રહ્યા હતા. કોંગ્રેસે આજ કારણસર કલમ ૩૭૦ના મામલાને લટકાવીને રાખ્યો હતો. ભગવાન રામની જન્મભૂમિના મામલાને પણ દશકો સુધી અટકાવીને રાખવામાં આવ્યો હતો. કોંગ્રેસે જા ઇચ્છા રાખી હોત તો સમાધાન આવી શક્યું હોત પરંતુ તેને વોટબેંકની ચિંતા વધારે હતી.