ક્રાઈમ બ્રાંચે એક મહિનામાં જ ૫૦થી વધુ હથિયાર જપ્ત કર્યા
ક્રાઈમ બ્રાંચે જુહાપુરામાંથી એક પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે યુવકને ઝડપી પાડ્યોઃ રથયાત્રાના આગલા દિવસ સુધી હથિયાર ઝડપવાનું અભિયાન ચાલશે
અમદાવાદ, શહેરમાં હથિયાર ઝડપી પાડવાનું મહાઅભિયાન ચાલી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. દર એકાદ બે દિવસે ક્રાઇમ બ્રાંચ પિસ્તોલ, દેશી તમંચો જેવાં ઘાતક હથિયાર ઝડપી રહી છે. રથયાત્રા નજીક આવતી હોવાના કારણે ક્રાઈમ બ્રાંચે ૨૫થી વધુ હથિયાર તેમજ ૫૦થી વધુ જીવતા કારતૂસ સાથે સંખ્યાબંધ ટપોરીની ધરપકડ કરી લીધી છે.
ક્રાઈમ બ્રાંચે જુહાપુરાના સારણી મેદાનમાંથી એક યુવકને પિસ્તોલ તેમજ બે જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યો છે. ક્રાઈમ બ્રાંચનું હથિયાર ઝડપી પાડવાનું અભિયાન ચાલી રહ્યું છે, જે છેક રથયાત્રાના આગલા દિવસ સુધી ચાલશે.
ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે વેજલપુર જૂના પોલીસ સ્ટેશન પાછળ આવેલા સારણી મેદાનમાં આમિરમિયાં ઉર્ફે સાનુ અસલમમિયાં મલેક (રહે, સંકલિતનગર જુહાપુરા) નામનો યુવક પિસ્તોલ લઇને ફરી રહ્યો છે.
બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમ સારણી મેદાન ખાતે પહોંચી ગઈ હતી અને બાતમીદારે ઇશારો કરતાં યુવકને કોર્ડન કરી લીધો હતો. યુવકે પોતાનું નામ આમિરમિયાં ઉર્ફે સાનુ હોવાનું કહેતાં ક્રાઇમ બ્રાંચે તેની અંગ ઝડતી કરી હતી.
આમિરમિયાં પાસેથી પિસ્તોલ અને બે જીવતા કારતૂસ મળી આવતાં તેની ધરપકડ કરી લીધી હતી. આમિરમિયાંની ધરપકડ કરીને ક્રાઇમ બ્રાંચ લાવવામાં આવ્યો હતો.
જ્યાં તેની આગવી સ્ટાઇલથી પૂછપરછ કરી હતી. જાેકે તેણે હથિયાર ક્યાંથી લાવ્યો તેની કોઈ કબૂલાત કરી નહીં. ક્રાઈમ બ્રાંચે આમિરમિયાં વિરૂદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. આમિરમિયાં કોઈ ગુનાને અંજામ આપવાની ફિરાકમાં હતો ત્યારે જ ક્રાઈમ બ્રાંચે તેને ઝડપી પાડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે દર વર્ષે જ્યારે રથાત્રા આવે ત્યારે પોલીસનું હથિયાર ઝડપી પાડવાનું અભિયાન શરૂ થતું હોય છે. જેમાં સૌથી વધુ કેસ ક્રાઈમ બ્રાંચ અને એસઓજી કરતી હોય છે. રથયાત્રા પૂર્ણ થયા બાદ ક્રાઈમ બ્રાંચ અને પોલીસને હથિયાર પકડવામાં કોઇ રસ હોતો નથી. છેલ્લાં ઘણાં વર્ષનો રેકોર્ડ જાેવામાં આવે તો મે અને જૂન મહિનામાં સૌથી વધુ હથિયાર ઝડપાયાં છે.