નશાખોર પતિનું કારસ્તાન, પત્નીને ફાંસો આપી હત્યા કરી
કાનપુર, લગ્ન થયા બાદ વિદાય થઈને હજારો સપના સાથે સાસરે પહોંચેલી યુવતીને ત્યારે આઘાત લાગ્યો હતો ત્યારે તેનો પતિ સુહાગરાત પર ચિક્કાર પીધેલી હાલતમાં રૂમમાં આવ્યો હતો. આ વાતને લઈને બંને વચ્ચે ખૂબ ઝઘડો થયો હતો. યુવતીએ આ વાતની જાણકારી તેના પિયરમાં કરી હતી. જે બાદ ગત રવિવારે તેનો ભાઈ આવ્યો હતો અને પોતાની સાથે લઈ ગયો હતો. સોમવારે યુવક ફરી પોતાના સાસરે પહોંચ્યો હતો અને ગમે તેમ કરી મનાવીને પત્નીને ઘરે લઈ આવ્યો હતો.
મંગળવારે યુવતીની લાશ ઘર પાસે રહેલા ઝાડ પર દુપટ્ટાના સહારે લટકેલી હાલતમાં મળી આવી હતી. સમગ્ર કેસની વાત કરીએ તો, તિશ્તી રસૂલાબાદના સૂરજના લગ્ન સાત જૂને આ જ ક્ષેત્રમાં આવતા પૂરનપુર ગામમાં રીના (૨૦) સાથે થયા હતા. લગ્નના દિવસે બંનેએ આગામી સાત જન્મ સુધી એકબીજાનો સાથ નિભાવવાનું વચન લીધું હતું.
રીનાએ ઘણા બધા સપના જાેયા હતા. ધામધૂમથી લગ્ન કર્યા બાદ પિયરે તેને ભાવુકભેર સાસરે વળાવી હતી. જ્યારે તે સૂરજના ઘરના ઘરે ગઈ તો તેનું શાનદાર રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું.
સાસરીમાં મજાક-મસ્તીનો માહોલ હતો. તે પોતાના રૂમમાં ગઈ હતી અને સૂરજની રાહ જાેઈ બેઠી હતી. ઘણા સમય આવ્યા બાદ સૂરજ આવ્યો અને તે પણ નશાની હાલતમાં. આ જાેઈને રીનાને ઘણું ખરાબ લાગ્યું હતું અને ઠપકો આપતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને વાત ઘણી આગળ પહોંચી હતી. યુવતીએ આ વાતની જાણકારી ફોન પર તેના પિયરના સભ્યોને આપી હતી. બંને પક્ષના સંબંધીઓ અને પરિવારજનો એકઠા થયા હતા અને બંનેને સમજાવી મામલાને શાંત કર્યો હતો.
જે બાદ રવિવારે ભાઈ આવ્યો હતો અને રીનાને તેની સાથે લઈ ગયો હતો. બીજા દિવસે સૂરજ સાસરે ગયો હતો અને પોતાનાથી ભૂલ થઈ હોવાનું કહી માફી માગી સાથે લઈ આવ્યો હતો.
મંગળવારે તેનો મૃતદેહ મળી આવતા આખા ગામમાં સન્નાટો પ્રસરી ગયો હતો. રીનાના હાથમાંથી હજી લગ્નની મહેંદી સૂકાઈ નહોતી અને તેવામાં તેનો મૃતદેહ ઝાડ સાથે લટકેલી હાલમતાં મળી આવતા ગ્રામજનોને જબરદસ્ત આંચકો લાગ્યો હતો. બધા ત્યાં સ્થળ પર એકઠા થયા હતા. મૃતકના સસરા દિનેશ ઠાકોરએ તેની સૂચના પોલીસને આપી હતી.
એસએસપી, સીઓ અને ઈન્સ્પેક્ટ સહિતની ટીમ ત્યાં પહોંચી હતી અને તપાસ કરી હતી. ફોરેન્સિક ટીમ પણ તપાસમાં જાેડાઈ હતી અને મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે મોકલી દીધો હતો. રીનાના પિતા નાથુરામનું મોત આશરે ૧૫ વર્ષ પહેલા થયું હતું.
બાળપણમાં પિતા ગુમાવનારી રીનાને તેના ત્રણયે ભાઈઓએ ખૂબ લાડથી ઉછેરી હતી. તેના લગ્નના છ દિવસ બાદ મોતના સમાચાર મળતા ભાઈ શિવ સિંહ, બબલૂ અને રાજૂએ હૈયાફાટ રૂદન કર્યું હતું.
રીનાના કાકા રામબાબૂએ પોલીસ સમક્ષ નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ લગાવ્યો હતો કે, તેની ભત્રીજીનો પતિ સૂરજ સોનાની વીંટી, ચેઈન અને બાઈક માગી રહ્યો હતો. માગ પૂરી ન થવા પર તેને ધમકી આપતો હતો. તેમણે કહ્યું હતું કે, સૂરજને દારૂની લત છે અને તેણે રીના સાથે મારઝૂડ કરી હત્યા કરી નાખી. સીઓ રસૂલાબાદ આશાપાલ સિંહે કહ્યું હતું કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સ્થિતિ સ્પષ્ટ થશે.SS1MS