પેટલાદમાં પાંડવ તળાવ નજીક રણછોડરાય મંદિરથી ૯૭મી રથયાત્રા નીકળશે
પેટલાદમાં ૯૭મી રથયાત્રા નીકળશે-મોસાળું શેખડીથી આવશે
(પ્રતિનિધિ) પેટલાદ, પેટલાદમાં પરંપરાગત રીતે ૯૭મી રથયાત્રા અષાઢી બીજનાં દિવસે રણછોડજી મંદિરેથી નીકળનાર છે. સો વર્ષ જૂના આ મંદિરેથી ભવ્ય રથયાત્રાનું પ્રસ્થાન પ.પૂ. વાસુદેવ મહારાજનાં સાનિધ્યમાં પ્રસ્થાન થશે. આ વખતે પ્રતિ વર્ષની પ્રણાલિકા મુજબ આગલા દિવસે મોસાળું પણ નીકળનાર છે. જે શેરડી ગામથી પેટલાદના રણછોડરાય મંદિરને આવશે.
પ્રાપ્ત માહિતી મુજબ પેટલાદ ખાતે અતિ પૌરાણિક પાંડવ તળાવ સામે રણછોડરાય મંદિર આવેલ છે. આ મંદિરનું નવિનીકરણ પ.પૂ. જમનાદાસ મહારાજના સાંનિધ્યમાં થયું હતું. વર્ષ ૧૯૨૪માં નિર્માણ પામનાર રણછોડજી મંદિરેથી પ્રથમ રથયાત્રા સન ૧૯૨૭માં નીકળી હતી.
શરૂઆતના વર્ષોમાં પૂ. જમનાદાસ મહારાજની નિશ્રામાં હાથી ઉપર સવારી નીકળતી હતી. હાલમાં પેટલાદ ખાતે ભક્તજનો અને સ્વયંસેવકો હાથથી ત્રણેય રથ ખેંચીને સમગ્ર શહેરમાં ફરે છે. જેમાં ભગવાન શ્રીકૃષ્ણ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથનો સમાવેશ થાય છે.
ઉપરાંત રથયાત્રા દ્વારા પાલખીમાં બિરાજમાન લાલજી ભગવાનના દર્શનનો લાભ પણ ભક્તજનોને મળે છે. ચાલુ વર્ષે તા.૨૦ જૂનને અષાઢીબીજના દિવસે બપોરે એક કલાકે રણછોડજી મંદિરેથી ૯૭મી રથયાત્રાનું પ્રસ્થાન થનાર છે. જે દર વર્ષ મુજબ રણછોડજી મંદિરેથી ટાઉન હોલ, સરદાર ચોક, સ્ટેશન રોડ, જેત્રાના વડ, કાળકામાતા મંદિરે પહોંચશે.
જ્યાં મહંત વાસુદેવ મહારાજ પૂજા આરતી કરશે. ત્યારબાદ પુનઃ રથયાત્રાનું પ્રસ્થાન કરી કાલકાગેટ થઈ નરસિંહજી મંદિરે પહોંચીને પણ પૂજા – આરતી કરવામાં આવશે. જ્યાંથી રથયાત્રા આગળ વધતા પઠાણવાડા, દાણા બજાર, વાળંદની ખડકી, ચોક્સી બજાર, અંબામાતા મંદિર, ટાવર ચાવડી બજાર, નાગરકુવા રોડ, છીપવાડ, લીંબાકુઈ, હનુમાન ફળીયા, ગાંધી ચોક, ચાવડી બજાર, નવાપુરા થઈ સાંજે સાત કલાકે રણછોડજી મંદિરે રથયાત્રાનું સમાપન થશે.
જેમાં ૩૦ જેટલી ભજન એમંડળીઓ, ત્રણ રથ, એક પાલખી, બે બગી, બે ડીજે, વેશભૂષા, નૃત્ય કલાકારો, અખાડા વગેરે જાેડાનાર હોવાનું જાણવા મળે છે. ઉપરાંત રથયાત્રાના સમગ્ર રૂટ ઉપર મગ, જાંબુ, કેરી, કાકડીનો પ્રસાદ પણ પ્રતિ વર્ષ મુજબ ભક્તજનોને પહોચાડવામાં આવશે.
ગીરના કલાકારો આકર્ષણ જમાવશે ઃ પેટલાદની રથયાત્રામાં ગીરથી હબસી આદિવાસી નૃત્ય કલાકારો આવનાર છે. લગભગ ૩૫ જેટલા કલાકારો આદિવાસી નૃત્ય ઉપરાંત અનેક અવનવી કૃતિઓ રજૂ કરનાર હોવાનું જાણવા મળે છે. ચાલુ વર્ષની રથયાત્રામાં આ નૃત્ય મુખ્ય આકર્ષણ જમાવશે.
ટાઈટ સિક્યોરિટી –પેટલાદ શહેર અતિ સંવેદનશીલના દાયરામાં આવે છે. જેથી અહિયાં રથયાત્રા પૂર્વે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા બેઠકોનો દોર અંતિમ દિવસ સુધી ચાલતો હોય છે. ઉપરાંત હિન્દુ અને મુસ્લિમ આગેવાનોની ઉપસ્થિતીમાં શાંતિ સમિતીની બેઠકો પણ યોજાતી હોય છે.
રથયાત્રાના દિવસે પણ પોલીસના ઉચ્ચ અધિકારીઓના પેટલાદ ખાતે ધામા હોય છે. આ વખતે રથયાત્રાની ટાઈટ સિક્યોરીટીમાં? ૩ ડિવાયેસપી, ૫ પીઆઈ, ૧૬ પીએસઆઈ, ૧૮૫ પોલીસ, ૨૫૦ હોમગાર્ડઝ, ૫૧ બોડી વોર્ન કેમેરા, ૧૦ વિડીયો ગ્રાફર, એક કંપની સીઆઈએસએફનો બંદોબસ્ત તૈનાત કરવામાં આવનાર છે.
૧૫૦ સ્થળોએ પધરામણી રથયાત્રા પૂર્વે શહેર અને આજુબાજુ ગ્રામ્ય વિસ્તારોમાં લાલજી ભગવાનની પધરામણી કરવામાં આવતી હોય છે. તા.૧૦ જૂનથી ભક્તોને ત્યાં પધરામણી શરૂ થયેલ છે. જે તા.૧૯ સુધીમાં આશરે ૧૫૦થી વધુ લોકોને ત્યાં લાલજીની પધરામણી થનાર છે. છેલ્લા દિવસે લાલજી ભગવાનની શેખડી ખાતે પધરામણી થશે.
ત્યારબાદ બપોરે ૩ કલાકે શેખડીથી મોસાળું પ્રસ્થાન થશે. આશરે ૩૦૦ જેટલા ભક્તજનો ડીજેના તાલે શેખડીથી ખંભાતી ભાગોળ, ખારાકુવા, ચબૂતરી, ઝંડા બજાર, પટેલ સોડા, અંબામાતા મંદિર, ટાવર, ચાવડી બજાર થઈ રણછોડજી મંદિરે પહોંચશે.