Western Times News

Gujarati News

Cyclone: કુલ-૧૧૫૨ સગર્ભા બહેનોનું સલામત સ્થળાંતર: જેમાંથી ૭૦૭ની સફળ પ્રસૂતિ

વાવાઝોડામાં ‘ઝીરો કેઝ્યુલિટી’ના ધ્યેય સાથે અસરગ્રસ્ત આઠ જિલ્લામાં ૫૦૪ એમ્બ્યુલન્સ સતત સેવારત

ગુજરાતમાં બિપરજોય વાવાઝોડા વચ્ચે અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી સુખદ: સમાચાર પણ સાંભળવા મળ્યા છે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આપેલા ‘ઝીરો કેઝ્યુલિટી’ના ધ્યેય સાથે સમગ્ર વહીવટીતંત્ર, આરોગ્યતંત્ર અને ૧૦૮નાં કર્મીઓ દ્વારા કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે સતત સ્થળાંતર- બચાવની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી.

જેના ભાગરૂપે વાવાઝોડા અસરગ્રસ્ત આઠ જિલ્લાઓમાં અગમચેતીરૂપે કુલ-૧૧૭૧ પૈકી ૧૧૫૨ સગર્ભા બહેનોનું અગાઉથી જ સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. માત્ર સ્થળાંતર જ નહીં, પણ આમાંથી કુલ-૭૦૭ બહેનોની સફળ પ્રસૂતિ કરાવીને એક નહી પણ બે-બે જીવન બચાવીને વહીવટીતંત્ર આ તમામ પરિવારોના આનંદમાં સહભાગી થયું છે.

બિપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત આઠ જિલ્લાઓમાં અને તેમાં આવતી મહાનગરપાલિકાઓમાં સાવચેતીના પગલારૂપે આરોગ્યતંત્ર દ્વારા અગાઉથી સગર્ભા બહેનોની ઓળખ-યાદી તૈયાર કરીને તેમને તમામ સુવિધા સાથે એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ-આરોગ્ય કેન્દ્ર  અથવા સલામત સ્થળે ખસેડવામાં આવી હતી. તેમાં પણ ખાસ કરીને જે બહેનોની પ્રસૂતિની તારીખ નજીક હતી તેમની વિશેષ ચિંતા કરીને તેમના માટે તબીબો-દવાઓ સહીત તાત્કાલિક ધોરણે તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

જેમાં કચ્છ જિલ્લામાંથી સૌથી વધુ ૫૫૨, જયારે રાજકોટમાં ૧૭૬, દેવભૂમિ દ્વારકામાં ૧૩૫, ગીર સોમનાથમાં ૯૪, જામનગરમાં ૬૨, જૂનાગઢમાં ૫૮, પોરબંદરમાં ૩૩, રાજકોટ મહાનગરપાલિકા ૨૬, જૂનાગઢ મનપામાં ૮ તેમજ મોરબી અને જામનગર મનપામાંથી ૪-૪ એમ કુલ ૧૧૫૨ સગર્ભા બહેનોનું વાવાઝોડા પહેલાં સલામત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

આ સલામત સ્થળે સ્થળાંતર કરાયેલી સગર્ભા બહેનોમાં કચ્છ જિલ્લામાં સૌથી વધુ ૩૪૮, રાજકોટમાં ૧૦૦, દેવભૂમિ દ્વારકામાં ૯૩, ગીર સોમનાથમાં ૬૯, પોરબંદરમાં ૩૦, જૂનાગઢમાં ૨૫, જામનગરમાં ૧૭, રાજકોટ મહાનગરપાલિકામાં ૧૨, જૂનાગઢ મનપામાં ૮

, જામનગર મનપામાં ૪ અને મોરબી જિલ્લામાં ૦૧ એમ  કુલ- ૭૦૭ બહેનોની  હોસ્પિટલ-આરોગ્ય કેન્દ્રોમાં સફળ પ્રસૂતિ કરાવવામાં આવી છે. આ સમગ્ર અભિયાનને સફળ રીતે પાર પાડવા તબીબી સ્ટાફ સાથે ૩૦૨ સરકારી અને ૨૦૨ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ રાત-દિવસ સેવારત હતી.

વધુમાં અગમચેતીના ભાગરૂપે વાવાઝોડા  અસરગ્રસ્ત જિલ્લાઓની આરોગ્ય સેવાઓ પર અસર ન થાય તે માટે હોસ્પિટલ્સ અને આરોગ્ય કેન્દ્રમાં પૂરતા પ્રમાણમાં જરૂરી દવાઓ, ૧૦૦ % ડીઝલ સંચાલિત કુલ- ૧૯૭ આધુનિક જનરેટર સેટ તેમજ ખાસ કરીને વાવાઝોડાની ભયાનકતાને ધ્યાને રાખીને

કચ્છ જિલ્લામાં -૧૦ દેવભૂમિ દ્વારકામાં ૦૫ અને મોરબીમાં બે એમ કુલ – ૧૭ વધારાની ૧૦૮ એમ્બ્યુલન્સ પણ તાત્કાલિક ફાળવવામાં આવી હતી. આ ઉપરાંત સગર્ભા બહેનોનું તબીબો દ્વારા રૂબરૂ અથવા વીડિયો કોન્ફરન્સ થકી દૈનિક મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે તેમ,આરોગ્ય વિભાગની યાદીમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.