Western Times News

Gujarati News

વાવાઝોડાને કારણે પડેલા ફળોને તાત્કાલીક બચાવવા આટલું કરો

બિપોરજોય વાવાઝોડાથી બાગાયતી પાકને થતાં સંભવિત નુકસાન ઘટાડવા વિવિધ વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવા રાજ્યના ખેડૂતોને અનુરોધ કરતા  કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલ

રાજ્યમાં સંભવિત ‘બિપોરજોય’ વાવાઝોડાના કારણે ખેતી તેમજ વિવિધ બાગાયતી પાકોમાં નુકસાનની સંભાવના રહેલી છે. હાલની આ પરિસ્થિતિમાં ખેતરમાં ઉભેલા બાગાયતી પાકોમાં સંભવિત નુકસાન અટકાવવા વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવા રાજ્યભરના ખેડૂત મિત્રોને કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

કૃષિ મંત્રીશ્રીએ બાગાયતી પાકને બચાવવા વિવિધ પગલાં અંગે ખેડૂત મિત્રોને માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, સૌ પ્રથમ કેરી, ખારેક, દાડમ જેવા અન્ય ફળ પાકોના ખરણ ખેતર પરથી વીણી લઈ સાફ સફાઈ કરી ગ્રેડિંગ કરી નુકસાન ન થયેલ ફળોને તાત્કાલિક બજારમાં પહોચાડી વેચાણ કરવા અથવા મૂલ્યવર્ધન કરવું જોઇએ.

અન્યથા બે-ચાર દિવસોમાં આ ફળો ખેતરમાં જ સડી જવાથી જીવજંતુઓ સાથે ફળમાખીનો ઉપદ્રવ વધવાની પૂરી શકયતા છે, જે આગામી સમયમાં આંબા, ખારેક, દાડમ પાકને મોટું નુકસાન કરી શકે છે.

વધુમાં કહ્યું હતું કે ‘બિપોરજોય’ વાવાઝોડાના ભારે પવનથી ફળપાકના બગીચામા ઝાડ કયાંક ઢળી પડયા હશે અથવા તો કોઈક ઝાડ વચ્ચેથી તૂટી ગયા  હશે. આવા ઝાડને ફરી ઉપજાવ અથવા બચાવવા માટે નુકસાન ગ્રસ્ત વાડીમાંથી પાણીનો નિકાલ કરવો, ફળપાકની વાડીઓમાં વૃક્ષોની તૂટેલી ડાળીઓ છટણી કરવી કાપેલા ભાગની ઉપર બોર્ડો પેસ્ટ લગાવવી, નમી ગયેલા ઝાડને ટેકો આપી બેઠા કરીએ

અને થડની આજુબાજુ માટી ચઢાવીએ, વધુ નુકસાન પામેલા ઝાડને નવીનીકરણ પદ્ધતિથી પુનર્જીવિત કરીએ, કેળ પાકમાં ઢળી પડેલ થડ દૂર કરી નવા પિલ્લામાંથી સારો લામપાક મળે એવા પ્રયત્નો કરવા, પપૈયામાં નમી ગયેલા થડને ટેકો આપી તૈયાર થયેલ કાચા પપૈયાનું મૂલ્યવર્ધન કરવું, ખરી ગયેલ કાચી કેરીનું મૂલ્યવર્ધન વિવિધ બનાવટો જેવીકે, આમચૂર, મુરબો, અથાણું, ચિપ્સ, કેન્ડી વગેરે તૈયાર કરવી તેમજ ખારેક-નારીયેળીમાં પણ મૂલ્યવધિત બનાવટો બનાવી નુકશાની ટાળી શકાય છે તેમ, મંત્રીશ્રીએ માર્ગદર્શન આપતાં ઉમેર્યું હતું.

ઉપરોક્ત વિષયે વધુ વિગતો બાગાયત ખાતાની વેબસાઈટ (https://doh.gujarat.gov.in/news-guj.htm)  ઉપર ઉપલબ્ધ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.