રથયાત્રા માટે 72 વર્ષ પછી નવા રથઃ 80 વર્ષ સુધી ટકે તેવા રથ તૈયાર
જૂના રથોનું મ્યુઝિયમ બનાવવામાં આવશે-૭૨ વર્ષ બાદ નવા રથોની સાથે નીકળશે અમદાવાદમાં રથયાત્રા
(એજન્સી)અમદાવાદ, અષાઢી બીજ એટલે કે ૨૦ જૂન મંગળવારે સવારે અમદાવાદમાં જમાલપુર સ્થિત નિજ મંદિરથી ભગવાન જગન્નાથજીની ૧૪૬મી રથયાત્રા નીકળવાની છે. આ રથયાત્રા માટે ૭૨ વર્ષ બાદ નવો રથોનું નિર્માણ કરાયું છે.
અનેક બાબતોને ધ્યાનમાં રાખતા પૈડા અને માળખાની મજબૂતાઈ માટે ખાસ સીસમ અને વલસાડી સાગનો ઉપયોગ કરાયો છે. એક અહેવાલ પ્રમાણે નવા રથ ૮૦ વર્ષ સુધી ટકી શકે તે રીતે બનાવવામાં આવ્યા છે.
આ વખતે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી માટે ૩ નવા રથોનું નિર્માણ કરવામાં આવ્યું છે. નવા રથ ૮૦ વર્ષ સુધી ટકી શકે તે રીતે તૈયાર કરાયા છે. જગન્નાથ પુરીની રથયાત્રા જેવા જ રથ હોય છે તે થીમ અને રંગ પર નવા રથોનું નિર્માણ કરવામાં આવ્યું છે.
મંદિરની પરંપરા પ્રમાણે નવા રથની સાઈઝ અને તે રીતની ડિઝાઈન તૈયાર કરી છે. જેમાં સાગ અને સીસમના લાકડાનો ઉપયોગ કરાયો છે. આ લાકડું ખાસ વઘઈથી મંગાવવામાં આવ્યું હતું. રથોને બનાવવામાં ૪ મહિનાથી વધુ સમય લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગત મહિને જગન્નાથ મંદિરમાં કરવામાં આવેલા નવા રથોનું પ્રથમ રિહર્સલ સફળ રહ્યું હતું.
આ અંગે રથ બનાવનાર પ્રવીણભાઈ સુથારે મીડિયાને જણાવ્યા મુજબ નવા રથ પાછળનો અંદાજિત ખર્ચ ૮૪ લાખ રૂપિયા થયો છે. ભગવાન જગન્નાથજીના રથની ડિઝાઈનમાં દેવી-દેવતાઓની મુર્તિઓ અને સુદર્શન ચક્રની થીમ અને તેમાં સફેદ રંગ રખાયો છે.
ભગવાન બળભદ્રજીના રથનો રંગ લાલ અને લીલો છે જે અશ્વીની થીમ પર અને બહેન સુભદ્રાજીના રથનો રંગ કાળો અને લાલ રખાયો છે, જેમાં નવદુર્ગાની થીમ છે. નવા રથ બનાવવા માટે સાગ તેમજ પૈડા બનાવવા માટે ખાસ સીસમના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું આ બાબતે મંદિરના ટ્ર્સ્ટી મહેન્દ્ર ઝાએ મીડિયાને જણાવ્યા અનુસાર રથયાત્રા બાદ અહીં જ એક મ્યુઝિયમ બનાવવામાં આવશે.
ત્યારબાદ જૂના રથોની મરામત કરીને તે લોકોને નિહાળવા માટે મ્યુઝિયમમાં મૂકવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં શહેરમાં રથયાત્રાની શરૂઆત ૧૮૭૮માં થઈ હતી. તે સમયે મહંત નરસિંહદાસજી મહારાજ દ્વારા અમદાવાદમાં રથયાત્રા શરૂ કરવામાં આવી હતી અને છેલ્લા ૧૪૫ વર્ષથી આ પરંપરા યથાવત છે.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે મંદિર ટ્રસ્ટ દ્વારા નવા રથોના નિર્માણ અંગે વાત કરવામાં આવી હતી. જાે કે, નવા રથ બનાવવા અંગે જગન્નાથ પુરીના કારીગરો સાથેની મીટિંગ બાદ ખલાસીઓએ જૂના રથ પર જ ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવાની વાત કહીને જણાવ્યું હતું કે, ત્રણેય રથ હજી ૨૫ વર્ષ સુધી ચાલે તેમ છે.