Western Times News

Gujarati News

ગરીબ પરિવારની પ્રજ્ઞા ચક્ષુ દીકરી દેશ માટે યુકેમાં રમશે ફૂટબોલ

અમદાવાદ, વડાલી તાલુકાના રહેડા ગામ ની દિવ્યાંગ દીકરીનો યુકેમાં ફૂટબોલ રમવા માટે સિલેક્શન થયું છે.રહેડા ગામની ઠાકરડા સમાજની દીકરી નિરમા જન્મથી જ અંધ છે અને હાલમાં અમદાવાદ ખાતે અંધજન મંડળમાં બી.એડ નો અભ્યાસ કરે છે.હવે તે યુકેમાં ફૂટબોલ રમીને સમગ્ર વિસ્તાર સહિત પોતાના પરિવાર માટે ગૌરવરૂપ સાબિત થશે.

રહેડા ગામની વતની ૨૩ વર્ષિય નિરમા ઠાકરડા જન્મથી જ અંધ છે.અને હાલમાં અમદાવાદ ખાતે અંધજન મંડળ સંસ્થામાં બી.એડ નો અભ્યાસ કરી રહી છે. નિરમાનું સિલેક્શન યુકેમાં રમનાર ફૂટબોલ લીગમાં થયું હોવાથી હાલમાં તે પ્રેક્ટિસ અર્થે કેરળ ખાતે ગઈ છે.અને ભવિષ્યમાં ફૂટબોલ રમી પોતાના પરિવાર સહિત સમગ્ર સાબરકાંઠા જિલ્લા તથા દેશનું નામ રોશન કરશે.

નિરમાના પરિવારની વાત કરીએ તો પરિવારમાં માત્ર તેમના મમ્મી અને નિરમા જ છે. તેમના મોટા બહેનના લગ્ન થઈ જવાથી તેઓ હાલ સાસરીમાં રહે છે. નિરમાના પિતા મનુભાઈનું બે વર્ષ અગાઉ આકસ્મિક રીતે નિધન થયું હતું. પરિવાર પાસે કોઈ જમીન ન હોવાથી માતા-પિતાએ દિવ્યાંગ નિરમાને મજૂરી કરીને જ ભણાવી છે.પરંતુ આંખથી અંધ હોવાથી પરિવારને નિરમા પાસે કોઈ અપેક્ષાઓ ન હતી, છતાં નિરમાએ પોતાની બુદ્ધિ ક્ષમતા અને દ્રઢ નિશ્ચયથી આજે જે કરી બતાવ્યું છે તે ખરેખર પરિવાર માટે એક ગૌરવની બાબત છે.

નિરમાની માતા લખુબેન ઠાકરડાના કહેવા પ્રમાણે,બે વર્ષ અગાઉ તેમના પતિ નું નિધન થયા બાદ પરિવાર ઉપર આર્થિક રીતે મોટી આફત આવી પડી હતી.પરંતુ છતાં પણ નિરમા અને તેના પરિવારે હિંમત ન હારીને નિરમાએ અથાગ પ્રયત્નો કરીને અને ખૂબ પ્રેક્ટિસ કર્યા બાદ આજે યુકેમાં રમાનાર ફૂટબોલ લીગમાં તેમનું સિલેક્શન થયું છે. લખુબેન કહે છે કે,સિલેક્શન થયા બાદ આગળ થનારા નાના મોટા ખર્ચ માટે પરિવાર સક્ષમ ન હતો .

આથી ગામના લોકોએ અમને ફાળો કરીને પૈસા આપ્યા અને આજે નિરમા અહીં સુધી જવા માટે સક્ષમ બની છે તે માટે અમે ગામના પણ ખૂબ આભારી છીએ. બંને ટીમમાં પાંચ-પાંચ ખેલાડીઓ આ ફૂટબોલ ગેમ પણ અનોખી હોય છે જેમાં બંને ટીમમાં ચાર ચાર ખેલાડીઓ જે અંધ હોય છે.અને બંને ટીમના એક એક ગોલ કિપર જે આંખે જાેઈ શકતા હોય તેવા ખેલાડીઓને લેવામાં આવે છે.

આંખ ઉપર ગોલ્ફિક્સ મશીન પહેરાવવામાં આવે છે જેથી ત્રણેય કેટેગરી બી-૧,બી-૨,બી-૩ ના ખેલાડીઓ ને સરખામણી મળી રહે અને ખેલ ભાવના જળવાઈ રહે. ગરીબ પરીવારની દિવ્યાંગ દિકરી નિરમા ભવિષ્યમાં પણ દેશ માટે રમવાની પુરી ઝંખના રાખે છે.અને ભવિષ્યમાં પણ આવી જ રીતે પોતાના પરીવાર સહિત વિસ્તાર માટે ગૌરવરૂપ બને તો નવાઈ નહીં.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.