Western Times News

Gujarati News

“યોગ ભગાડે રોગ” ના સૂત્ર સાથે લોકોને દૈનિક જીવનશૈલીમાં યોગ અપનાવવા અપીલ કરતા યોગ ટ્રેનર

પાલનપુર વિવિધલક્ષી વિદ્યામંદિર શાળાના આસિસ્ટન્ટ ટીચર અરવિંદભાઈ ચૌધરીનું યોગક્ષેત્ર વિશેષ યોગદાન

(માહિતી બ્યુરો,પાલનપુર) સમગ્ર વિશ્વમાં ૨૧ જૂનનાં દિવસે ‘વિશ્વ યોગ દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે. મનુષ્યના જીવનમાં યોગનું વિશેષ મહત્વ રહેલું છે. નિયમિત યોગ કરવાથી અનેક રોગો દુર થાય છે. વતર્માન સમયમાં દેશના લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સહીત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા લોકોને યોગ તરફ વાળવાના અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આપણી સંસ્કૃતિમાં “પહેલું સુખ તે જાતે નર્યા” એમ કહેવાય છે ત્યારે દેશના નાગરિકો અને યુવાઓ યોગ તરફ વળે જેના થકી તંદુરસ્ત ભારતના નિર્માણનો સંકલ્પ ચરિતાર્થ થાય એ નેમ સાથે સમગ્ર ભારતમાં ૨૧ જુનના રોજ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

યોગના પ્રચાર પ્રસાર અને સામાન્ય લોકોમાં તેની જાગૃતતા વધે એ માટે સરકાર સાથે કેટલાક યોગ ગુરુઓ/ શિક્ષકો પણ આ દિશામાં પ્રયત્ન કરી લોકોને યોગનું માર્ગદર્શન અને શિક્ષણ આપી યુવાધનના આરોગ્ય ઘડતરની જવાબદારી નિભાવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં વર્ષ-૨૦૧૫ થી યોગ શિક્ષક તરીકે ફરજ બજાવતા અરવિંદભાઈ ભગવનભાઈ ચૌધરી યોગ ક્ષેત્રમાં અનોખી પ્રતિભા ધરાવે છે.

“યોગ ભગાડે રોગ” ના સૂત્ર સાથે અરવિંદભાઈ ચૌધરી યોગ ટ્રેનર તરીકે સેવારત રહી લોકો યોગ તરફ વળે એ માટે યોગનાં પ્રચાર અને પસારનું ખૂબ  સારૂ કામ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં તેમણે હજારો વિદ્યાર્થીઓ અને અસંખ્ય લોકોને યોગની  નિઃશુલ્ક તાલીમ આપી છે. યોગનું મહત્વ સમજાવતા અરવિંદભાઈ ચૌધરી યોગને રોજિંદી જીવનશૈલીમાં અપનાવવા લોકોને અપીલ કરે છે.

શ્રી અરવિંદભાઇ ભગવનભાઈ ચૌધરી (એમ.એ. બી.પી.એડ. ડી.વાય.એડ) ની ડીગ્રી ધરાવે છે અને પાલનપુરની પ્રખ્યાત શાળા વિવિધલક્ષી વિદ્યામંદિરમાં યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણમાં આસિસ્ટન્ટ ટીચર તરીકે ૨૦ વર્ષથી સેવા આપે છે. તેમજ એસોસિએટ એન.સી.સી. ઓફિસર તરીકે સાત વર્ષથી ફરજ બજાવે છે. તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગરના યોગ કોચ તરીકે ત્રણ વર્ષથી લોકોને યોગ શિખવાડી રહ્યા છે.

વર્ષ-૨૦૧૫માં ઉજવાયેલ જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસના મુખ્ય કાર્યક્રમમાં યોગ કોચ તરીકે સેવા આપ્યા બાદ ૨૦૧૫ થી સતત દર વર્ષે યોગ દિવસની ઉજવણીમાં મુખ્ય માર્ગદર્શક તરીકે સેવા આપે છે. તો જિલ્લા કક્ષાની વિવિધ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકશ્રીઓને યોગ તાલીમ શિબિરમાં યોગ માર્ગદર્શન આપી યોગ ટીચરોની બ્રિગ્રેડ તૈયાર કરવાની મહત્વપૂર્ણ સેવા આપી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં યોગ પ્રત્યેનું આકર્ષણ વધે એ માટે અરવિંદભાઈ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ તરીકે પાલનપુર ખાતે યોગ ટ્રેનર માટેની નિઃશુલ્ક યોગ તાલીમ શબિરોનું આયોજન કરી વધુને વધુ લોકો યોગ તરફ જોડાય એ માટેના સંનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. તો ઉ.ગુ.યુનિ.સંલગ્ન યોગ સેન્ટરમાં જી.ડી.મોદી કોલેજ સંકુલ, પાલનપુરમાં યોગ વિષયમાં યોગ પ્રાધ્યાપક તરીકે સેવા આપે છે. તેમજ શાળા- કોલેજોમાં યોગની તાલીમ અને પ્રચાર પ્રસારનું કાર્ય કરી રહ્યા છે.

આજના તનાવ ભર્યા યુગમાં લોકો અનેક પ્રકારના તનાવમાં રહે છે. તેમજ અનેક પ્રકારના રોગોથી પીડાય છે. યોગ આ તનાવ અને બિમારીને દુર કરવામાં મદદ કરે છે. તેમજ બાળકોની ઊંચાઈ વધારવા, રોગપ્રતિકારક શક્તિ, ચંચળતા, યાદશક્તિ, માનસિક રોગ, અનિંદ્રા, ગેસ, એસીડીટી, કબજિયાત, સાંધાના દુખાવા, વજન વધારવા કે ઘટાડવામાં યોગ ફાયદાકારક બની રહે છે.

કોઈ પણ યોગાસાન જાતે ન કરતા યોગ્ય માર્ગદર્શકના માર્ગદર્શન હેઠળ જ કરવા જોઈએ. આજના ભાગદોડ ભર્યા જીવનમાં રાહત અને શાંતિ માટે યોગ આવશ્યક છે જેના નિયમિત અભ્યાસથી તન-મન અને ભાવનાત્મક આરોગ્ય એકદમ ફિટ રહે છે. આલેખનઃ-જીજ્ઞેશ નાયક, માહિતી મદદનીશ જિલ્લા માહિતી કચેરી, પાલનપુર


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.