Western Times News

Gujarati News

વાવાઝોડા બાદ 6000 થી વધુ માણસોની 1089 વીજ તંત્રની ટીમો દ્વારા દિન-રાત કામગીરી

બિપરજોય વાવાઝોડા બાદ અસરગ્રસ્ત ગામોમાં રેકોર્ડ સમયમાં વીજ પુરવઠો પૂર્વવત કરાયો

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન અને ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના મોનિટરીંગ હેઠળ વીજતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કરાઇ કામગીરી

ક્ષતિગ્રસ્ત ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કના પુનઃસ્થાપન માટે  અસરગ્રસ્ત તમામ જિલ્લાઓના ખેતીવાડી ગ્રાહકોનો વીજ પુરવઠો તા. ૩૦ જૂન, ૨૦૨૩ સુધીમાં ચાલુ કરાશે

તાજેતરમાં આવેલા બિપરજોય વાવાઝોડાના કારણે રાજ્યના દસથી વધારે જિલ્લાઓનાં ગામડાઓમાં વીજપુરવઠાને અસર થઈ હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના મોનિટરીંગ હેઠળ વીજતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે અસરગ્રસ્ત ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરવા રાત દિવસ એક કરીને રેકોર્ડ સમયમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો છે.

ઊર્જા વિભાગ દ્વારા મળેલી માહિતી મુજબ બિપરજોય વાવાઝોડુ ૧૪૦ કિમી પ્રતિ કલાકની મહત્તમ નોંધાયેલ સ્પીડ સાથે લેન્ડફોલ થવાથી ભારે પવન તથા વરસાદને લીધે સૌરાષ્ટ્ર-કચ્છના પીજીવીસીએલ હેઠળના અસરગ્રસ્ત ૮ જિલ્લાના વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતના અસરગ્રસ્ત ૨ જિલ્લાઓ પાટણ તથા બનાસકાંઠાના વિસ્તારોના વીજ માળખાનું ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ક્ષતિગ્રસ્ત થયું હતું. જે અંતર્ગત ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશનના વીજ માળખાના વીજ ટાવર, વીજ થાંભલાઓ, વીજ લાઈનો, ટ્રાન્સફોર્મર્સ અને વીજ જોડાણના સર્વિસ કેબલ વગેરેને ક્ષતિ પહોંચવાથી વીજ કંપનીઓને અંદાજે રૂ.૧૦૧૩ કરોડથી વધુનું નુકશાન થયું છે.

વાવાઝોડાના લેન્ડફોલના ત્રણ દિવસ પહેલાં જ ઊભી થનાર કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વીજ તંત્ર દ્વારા અગોતરું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે GUVNL અને PGVCLના ઉચ્ચ-અધિકારીઓ અને ઈજનેરોને જુદા-જુદા વિસ્તારની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમજ MGVCL, DGVCL અને UGVCLની વધારાની ટીમો, ઇજનેરો, ટેકનિકલ સ્ટાફ અને કોન્ટ્રાક્ટરની ગેંગને જરૂરી માલસામાન સાથે પહેલેથી જ રવાના કરવામાં આવ્યાં હતાં. આ પૂર્વનિર્ધારિત આયોજનના કારણે વાવાઝોડાના લેન્ડફોલ થયાના બીજા જ દિવસથી યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ હતી.

બિપરજોય વાવાઝોડાને કારણે ગેટકોના ૪૦૦ કેવી, ૨૨૦ કેવી તથા ૧૩૨ કેવીની ક્ષમતાના ૧૨ સબસ્ટેશનોનો વીજ પુરવઠો ખોરવાયો હતો, જે તમામ સબસ્ટેશનમાં વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં આવ્યો છે. તેમજ ૬૬ કેવીના ૨૪૩ સબસ્ટેશનોનો વીજપુરવઠો બંધ થયો હતો, જે પૈકી ૨૪૦ સબસ્ટેશનોમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરાયો છે. બાકી રહેતા 3 સબસ્ટેશનમાં (કરછ-૨, દ્વારકા-૧) અન્ય ફીડરો અને લીંક લાઈનથી હાલ વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં આવ્યો છે.

વાવાઝોડાના કારણે ૬૬ કેવી તથા ૧૩૨ કેવીની ભારે દબાણના ૪૦ એચ-ફ્રેમ (ડી.પી) ટાવર અને ૭૬ ટ્રાન્સમિશન ટાવરને નુકસાન થયું હતું. તેમજ ૧,૧૭,૦૦૦થી વધુ વીજ થાંભલા અને ૧૬,૦૦૦થી વધુ ટ્રાન્સફોર્મર સેન્ટરને નુકશાન થયું હતું.

જ્યારે પીજીવીસીએલના સહુથી વધુ અસરગ્રસ્ત ૮ જિલ્લાના તેમજ યુજીવીસીએલના બે જિલ્લાના ૩૫ ટાઉન અને ૪૯૪૫ ગામોમાં વીજ પુરવઠો બંધ થયો હતો. આ પૈકી તમામ ૩૫ ટાઉનમાં તેમજ ૪૯૧૭ ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે.

જ્યારે બાકી રહેલા ૨૮ ગામોમાં વીજપુરવઠો પાડતી વીજ વિતરણ લાઈનોની આજુબાજુ ખૂબ પાણી ભરાવાના કારણે કામગીરી શરૂ થઈ શકી નથી, પરંતુ પાણી ઓસરતા વીજળીનો સપ્લાય પૂર્વવત કરાશે. ગેટકો અને તમામ ડિસ્કોમની ૬૦૦૦થી વધુ માણસો સાથેની કુલ ૧૦૮૯ ટીમો દ્વારા આ જિલ્લાઓમાં પુનઃસ્થાપન કાર્ય માટે તમામ સંસાધનો સાથે દિવસ-રાત કામગીરી કરવામાં આવી હતી.

હોસ્પિટલો, વોટર વર્કસ, સરકારી કચેરીઓ અને કોમ્યુનિકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ સરહદી વિસ્તારોમાં આર્મીના અગત્યના મથકો પરનો વીજ પુરવઠો પૂર્વવત કરવા રાજ્ય સરકાર દ્વારા ટોચની પ્રાથમિકતા આપવામાં આવી હતી. દરેક સ્થાનો પર સક્ષમ માર્ગદર્શન, દેખરેખ હેઠળ અને સ્થાનિક સત્તાવાળાઓ સાથે સંકલન કરી લાઇન પુનઃસ્થાપનનું કાર્ય આયોજનબદ્ધ રીતે ઝડપથી પૂર્ણ કરવામાં આવ્યુ છે. ઉપરાંત પીજીવીસીએલના ૮ જિલ્લાઓમાં કચ્છ, જામનગર અને દ્વારકા જિલ્લા સિવાયના જિલ્લાઓના ૯૦ ટકા અસરગ્રસ્ત ખેતીવાડી ગ્રાહકોનો વીજ પુરવઠો પુન:સ્થાપિત કરાયો છે. બાકીના બધા જિલ્લાઓના ખેતીવાડી ગ્રાહકોનો વીજ પુરવઠો તા. ૩૦ જૂન, ૨૦૨૩ સુધીમાં ચાલુ કરાશે તેમજ પાણી ઓસરી ગયા હોય તેવા ગામોમાં વહેલી તકે વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.