અમેરિકામાં ચરોતરની દિકરીએ PM મોદી માટે ભોજન બનાવ્યું
સવારે નાસ્તામાં બટાકા પૌવા, ઉપમા, ઈડલી – સંભાર બનાવ્યા હતા
કોમલબેન પટેલે તા.૨૦ના રોજ સવારના ભોજનમાં પીએમ મોદી માટે શુદ્ધ ગુજરાતી ભોજન રોટલી, દાળ, ટિડોળાનું શાક, પરવરનું શાક, પાપડ બનાવ્યા
પેટલાદ, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે. તેઓનું પ્રથમ બે દિવસ ન્યૂયોર્ક ખાતે રોકાણ હતું. જે દરમ્યાન મોદી માટે આ બંન્ને દિવસનું ભોજન ચરોતરની દિકરીએ તૈયાર કર્યું હતું. વડાપ્રધાન મોદી પણ શુદ્ધ ગુજરાતી ભોજન લઈ સંપૂર્ણ સંતુષ્ટ થયા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ ચરોતરના આણંદ જીલ્લામાં પેટલાદ તાલુકો આવેલ છે. પેટલાદના પાળજ (મહિજી દરવાજા સ્ટ્રીટ) ગામની દિકરી કોમલ પટેલે આણંદથી એમએ સુધીનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ કોમલ પટેલનું લગ્ન આણંદના બાકરોલ (મોટી ખડકી) ગામના જીગર પટેલ સાથે થયા હતા.
લગ્ન બાદ કોમલ પટેલ પરિવાર સાથે નવ વર્ષથી ન્યુયોર્ક વસવાટ કરે છે. જ્યાં તેઓ છેલ્લા સાત વર્ષથી કેટરીંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. હાલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. તેઓ તા.૨૦ જૂન ૨૦૨૩ના રોજ ન્યુયોર્ક પહોંચ્યા હતા. જ્યાં તેઓનું રોકાણ હોટલ પેલેસમાં હતું.
આ હોટલમાં જ પીએમ મોદી માટે ગુજરાતી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેની જવાબદારી કોમલબેન પટેલની હતી. કોમલબેન પટેલે તા.૨૦ના રોજ સવારના ભોજનમાં પીએમ મોદી માટે શુદ્ધ ગુજરાતી ભોજન રોટલી, દાળ, ટિડોળાનું શાક, પરવરનું શાક, પાપડ બનાવ્યા હોવાનું જણાવ્યું હતું.
કોમલ પટેલે વધુ માહિતી આપતા કહ્યું હતું કે તે જ દિવસે રાત્રી ભોજનમાં આપણાં વડાપ્રધાન માટે કઢી, ખીચડી, તુરીયાનું શાક તથા જુદા જુદા પ્રકારના ભજીયા બનાવ્યા હતા. ત્યારબાદ તા.૨૧ના રોજ સવારે નાસ્તામાં બટાકા પૌવા, ઉપમા, ઈડલી – સંભાર બનાવ્યા હતા. આ બે દિવસ સુધી ભારતના વડાપ્રધાનને જમાડવાનો અવસર અમારા માટે અદ્ભૂત રહ્યો હતો. તેઓના માટે આ બંન્ને દિવસ શુદ્ધ ગુજરાતી ભોજન જ તૈયાર કરવામાં આવ્યું હતું.