એરટેલ, વોડાફોન, જીઓના બિલ આજથી મોંઘા થશે
નવી દિલ્હી: મોબાઇલ ફોન બિલ આવતીકાલથી મોંઘા થશે. એરટેલ, વોડાફોન આઈડિયા અને રિલાયન્સ જીઓએ પોતાના ટેરિફ મોંઘા કરવાની જાહેરાત કરી દીધી છે. ટેરિફમાં વધારો કરવાની જાહેરાત બાદ એરટેલ અને વોડાફોનના શેરમાં ઉછાળો આવી ગયો છે. એરટેલ અને વોડાફોનઆઈડિયાની વધેલી કિંમતોવાળા પ્રિપેઇડ પ્લાન આવતીકાલથી લાગૂ થશે જ્યારે રિલાયન્સ જીઓએ છઠ્ઠી ડિસેમ્બરથી કિંમતો વધારવાની જાહેરાત કરી છે.
એરટેલનું કહેવું છે કે, તેના ટેરિફની કિંમતોમાં ૫૦ પૈસાથી લઇને ૨.૮૫ રૂપિયા પ્રતિદિવસ ુસધીનો વધારો થયો છે જ્યારે વોડાફોન આઈડિયાએ ટેરિફની કિંમતોમાં ૪૨ ટકા સુધીનો વધારો કર્યો છે જ્યારે જીઓએ કહ્યું છે કે, તેના પ્લાન ૪૦ ટકા મોંઘા થશે જેમાં બીજી કંપનીઓની સરખામણીમાં ગ્રાહકોને ૩૦૦ ટકા વધારે ફાયદો થનાર છે. રિલાયન્સ જીઓએ હાલમાં જીઓથી અન્ય નેટવર્ક પર કોલ કરવા માટે છ પૈસા પ્રતિ મિનિટ લાગૂ કર્યા છે. હવે વોડાફોન અને આઈડિયા તેમજ એરટેલ પણ આજ રસ્તે આગળ વધી રહ્યા છે. બંને કંપનીઓએ પોતાના અનલિમિટેડ કોલિંગ પ્લાનની સાથે એફયુપીની ઓફર કરી છે.
આ હેઠળ અન્ય નેટવર્ક પર કોલ કરવા માટે હવે લિમિટ નક્કી કરી દેવામાં આવી છે. નિર્ધારિત લિમિટ પૂર્ણ થયા બાદ અન્ય નેટવર્ક પર કોલ કરવા માટે ગ્રાહકોને છ પૈસા પ્રતિમિનિટ આપવા પડશે. એરટેલ અને વોડાઇફોન આઇડિયાના ૨૮ દિવસના વેલિડિટિવાળા પ્લાન ૪૦ ટકા મોંઘા થયા છે. ૨૮ દિવસ માટે ૧૦૦ એમબી ડેટાવાળા ૩૫ રૂપિયાના આ પ્લાન હવે ૪૯ રૂપિયામાં પડશે જ્યારે ૨૦૦ એમબી ડેટાવાળા ૬૫ રૂપિયાના પ્લાન ૭૯ રૂપિયામાં પડશે તેમાં ૨૧ ટકાનો વધારો થયો છે.