ગાંધીનગર-સારંગપુર મંદિર રૂટમાં નવી બસ સેવા ટુંકમાં શરૂ કરાશે
ગાંધીનગર, ગાંધીનગર એસ.ટી. ડેપોથી સૌરાષ્ટ્ર કચ્છ સહીતના વિવિધ રૂટમાં બસ સેવા ઉપલબ્ધ છે. જયારે સોમનાથ, દ્વારકા અને અંબાજી સહીતના ધાર્મિક રૂટમાં પણ બસ સેવાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી સારંગપુર હનુમાન મંદિર રૂટમાં પણ બસ સેવા શરૂ કરવા માટે પ્રબળ માંગ ઉઠવા પામી છે.
ગાંધીનગરથી આ રૂટમાં જવા માટે બસ સેવાની સતત પુછતાછ પણ વધી છે ત્યારે આ રૂટમાં સવારના સમયે ગાંધીનગર સારંગપુર હનુમાન મંદિર સુધીની બસ સેવા ટુંકમાં શરૂ કરવા માટે આયોજન કરાયુ છે.
ગાંધીનગર એસ.ટી. ડેપો દ્વારા એકબાજુ આમ નાગરિકોને સલામત સવારી નિયમિત અને ઝડપી મળી રહે તે માટે સંચાલનના રૂટમાં જરૂરી ફેરફાર કરવા માટે પણ નિગમને દરખાસ્ત કરવામાં આવી છે. જયારે ગાંધીનગરથી વિવિધ શહેરના જંકશનને અનુલક્ષી નવા રૂટમાં પણ તબક્કાવાર બસો શરૂ કરવામાં આવી રહી છે.
હાલ સૌરાષ્ટ્ર અને કચ્છના રૂટમાં પણ જરૂરી બસ સેવા દોડે છે. અલબત્ત સોમનાથ, દ્વારકા, જૂનાગઢ, અંબાજી, પાવાગઢ સહીતના વિસ્તારમાં પણ બસ સેવા ઉપલબ્ધ છે જયારે ગાંધીનગરથી સારંગપુર હનુમાન મંદિરે જતા ભાવિકોની સંખ્યા પણ વિશેષ છે
જેને અનુલક્ષી ગાંધીનગરથી સારંગપુર હનુમાન મંદિરની સીધી બસ સેવા ઉપલબ્ધ થાય તેવી માંગણી સાથે રજુઆતો પણ લાંબા સમયથી કરવામાં આવી રહી છે. સારંગપુરના રૂટ માટે રોજબરોજ ગાંધીનગર ડેપોમાં મુસાફરો પુછપરછ પણ વિશેષ કરતા નજરે પડે છે. જયારે આ રૂટને અનુલક્ષી આનુસગિક બસોમાં પણ ટ્રાફિકનું પ્રમાણ વધ્યુ છે.
જયારે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને એસ.ટી. ડેપો દ્વારા ગાંધીનગરથી સારંગપુર રૂટમાં નવી બસ સેવા શરૂ કરવા માટે પણ વિચારણા હાથ ધરવામાં આવી છે. ડેપોના સુત્રોમાંથી મળતી માહીતી મુજબ ગાંધીનગર-સારંગપુર રૂટ ટુંક સમયમાં જ બસ શરૂ કરી દેવામાં આવશે જયારે રોજ સવારે આ બસ સેવાનો લાભ મુસાફરો તેમજ ભાવિકોને મળી રહે તે મુજબ આયોજન કરવામાં આવશે.