વૃદ્ધા અને સગીરાની છેડતી કરવા બદલ યુવાનને 3 વર્ષની સજા થઈ
હિંમતનગર, હિંમતનગર તાલુકાના એક ગામની ઘરની ખુલ્લી ચોપાળમાં સૂઈ રહેલાં વૃદ્ધ મહિલા તથા સગીરાની છેડતી કરવાના કેસમાં સાબરકાંઠા જિલ્લા એડિશનલ સેશન્સ જજની (સ્પેશિયલ) કોર્ટે યુવાનને ત્રણ વર્ષની સખત કેદની સજા તથા રૂ.૧ હજારનો દંડ ફટકાર્યો હતો.
હિંમતનગર તાલુકાના એક ગામમાં ગત તા.રપ.૯.ર૦ર૧ના રોજ રાત્રિના સુમારે પોતાના ઘરની ખુલ્લી ચોપાળમાં વૃદ્ધ મહિલા, સગીરા તથા બીજી ચારથી પાંચ મહિલાઓ સૂઈ રહી હતી તે દરમિયાન ગુમાનસિંહ ઉર્ફે ગગો નારસિંહ ઝાલા નામના યુવાને તેમના શરીર તથા અંગો સાથે છેડતી કરી હતી.
રાત્રિના સમયે બનેલા આ બનાવથી વૃદ્ધ મહિલા, સગીરા સહિતની અન્ય મહિલાઓમાં ભય ફેલાયો હતો. બનાવ અંગે હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકમાં ગુમાનસિંહ ઉર્ફે ગગો નારસિંહ ઝાલા વિરુદ્ધ પોક્સો એકટ તથા એટ્રોસીટી એકટ અંતર્ગત ગુનો નોંધાવાતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
જે અંગેનો કેસ બીજા એડિશનલ સેશન્સ જજની (સ્પેશિયલ) કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જે દરમિયાન ફરિયાદ પક્ષ તરફથી પુરાવાઓ તથા ભોગ બનનાર મહિલાઓની જુબાની તથા અન્ય પુરાવાઓ રજુ કરવામાં આવ્યા હતા. વૃદ્ધ મહિલાની પણ શારીરિક છેડતી કરી હોવાના પુરાવા રજુ થયા હતા.
મુખ્ય જિલ્લા સરકારી વકીલ હિરેન વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ પુરાવાઓ તથા મહિલાઓની જુબાનીના આધારે ધારદાર દલીલો કરીને ભોગ બનનાર મહિલાઓની વિકટીમ કોમ્પન્સેશન ફંડ હેઠળ વળતર આપવાની માંગણી કરી વિકૃત માનસીકતા ધરાવતા યુવાનને વધુમાં વધુ સજા કરવાની માંગણી કરી હતી.
કોર્ટ દ્વારા તમામ પુરાવા અને દલીલોને ધ્યાનમાં રાખી ન્યાયાધિશ દિવ્યેશ વીપીનચંદ્ર ઝાલાને પોકસો એકટ હેઠળના ગુના તેમજ સ્પેશિયલ એટ્રોસીટી એકટ સહિત અન્ય કલમો હેઠળ તકસીરવાન ઠરાવી ત્રણ વર્ષની સખત કેદની સજા તથા રૂ.૧ હજારનો દંડ ફટકાર્યો હતો અને જાે દંડ ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.
ઉપરાંત ભોગ બનનાર ચાર મહિલાઓને વિકટીમ કોમ્પન્શેશન સ્કીમ હેઠળ મળવાપાત્ર વળતરની રકમ નિર્ણિત કરી તેની ચુકવણી સારૂ યોગ્ય પગલાં લેવા સેક્રેટરી ડિસ્ટ્રીક સર્વીસ ઓથોરીટી સાબરકાંઠા હિંમતનગરને હુકમ કર્યો હતો.