Western Times News

Gujarati News

ભારે પવન સાથે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ

અમદાવાદ, છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે સવારે રાજ્યના કેટલાક તાલુકાઓમાં 1 ઈંચ સુધી વરસાદ પડ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 125 તાલુકામાં વરસાદમાં નોંધાયો છે. જેમાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ વલસાડના ઉમરગામમાં નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે અમદાવાદમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. બાદમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. શહેરના થલતેજ, એસજી હાઇવે, બોપલ, સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.

આજે વહેલી સવારથી જ અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. શહેરમાં વરસાદી માહોલ બન્યો છે, જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, 25મી જૂન અને રવિવારથી ગુજરાતમાં વિધિવત્ ચોમાસું બેઠું છે. આ સાથે જ હવામાન વિભાગ દ્વારા આજથી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં તારીખ 26, 27, 28, 29 અને 30નો સમાવેશ થાય છે.

અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. સોલા, ગોતા, ગુજરાત હાઇકોર્ટ પાસે ભારે વરસાદ ખાબક્યો છે.  તો સાયન્સ સિટી, પકવાન, ઇસ્કોન,  ઘાટલોડિયા, પાલડી, ચાંદલોડીયા, લાલ દરવાજા, દરિયાપુર,માં મેઘ મહેર જોવા મળી રહી છે.

જો કે એસજી હાઇવે પરના વિસ્તારોમાં વરસાદી માહોલના કારણે વિઝિબિલિટી ઘટી હતી. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો અમદાવાદના અન્ય વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ નોંધાયો છે. વરસાદ પડતા અમદાવાદના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.