વલસાડ તાલુકા કોળી પટેલ સમાજની ૧૬૦ તેજસ્વી પ્રતિભાઓનું સન્માન કરાયું
(તસ્વીરઃ અશોક જાેષી) વલસાડ તાલુકા કોળી પટેલ સમાજ પ્રગતિ મંડળ ના ઉપક્રમે સમાજના ૧૬૦ જેટલા તેજસ્વી તારલાઓ અને વિશિષ્ટ સિદ્ધિ ધરાવતા પ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સમાજની કોળી પટેલ પ્રતિભાઓને સન્માનિત કરતા વલસાડ કોળી પટેલ સમાજના પ્રમુખ અને વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે દરેક સમસ્યાનું નિવા રણ શિક્ષણ છે. સમાજની નવયુવા પેઢી શિક્ષિત અને સંસ્કારી બને તે માટે સરકાર તેમજ સમાજનું મંડળ સતત પ્રયત્નશીલ છે
દર વર્ષે કોળી સમાજ ના તેજસ્વી તારલાઓનો વિશિષ્ટ સિદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા માં વધારો થઈ રહ્યો છે તે કોળી પટેલ સમાજની પ્રગતિની નિશાની છે. વલસાડના ધારાસભ્ય ભરતભાઈએ વધુમાં કહ્યું હતું કે સમાજના ઉત્કર્ષ માટે મંડળ અનેક પ્રવૃત્તિઓ કરે છે.
નવરાત્રમાં ગરબા મહોત્સવ ગરીબ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ તેમ જ રાહત દરે નોટબુક નું વિતરણ કરે છે. દર વર્ષે સમૂહ લગ્ન, ક્રિકેટ ટુર્નામેન્ટ, મેડિકલ કેમ્પ તેમજ યુવક યુવતિઓનો પરિચય મેળો યોજવામાં આવે છે.
આવા કાર્યક્રમો ના માધ્યમ થી સમાજનો સર્વાંગી વિકાસ થાય તે માટે પટેલ સમાજ પ્રગતિ મંડળ સનિષ્ઠ પ્રયાસો કરતાં આવ્યા છે વલસાડ શહેરમાં સમાજની વાડી ના નિર્માણ માટે કોળી સમાજના પૂર્વજાે એ કરેલા ભગીરથ કાર્યની તેમણે સરાહના કરી હતી.
આ પ્રસંગે વલસાડના વરિષ્ઠ બિલ્ડર અને દાનવીર શ્રી બિપીનભાઈ પટેલે જણાવ્યું હતું કે કોળી સમાજના લોકોમાં આગવી પ્રતિભાઓ છે સમાજમાં દર વર્ષે ડોક્ટરની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. વિવિધ ફેકલ્ટીઓમાં આપણા સમાજના ડોક્ટરો સુપર સ્પેશિયાલિટી બન્યા છે. પરંતુ યુપીએસસી અને જીપીએસસી ની સરકારી નોકરીઓમાં સ્થાન અંકિત કરવા માટે આપણે સમાજ હજુ પાછળ છે.