USમાં કોરોના રાહત કાર્યક્રમમાંથી ૨૦૦ બિલિયન ડૉલરની ચોરી

(એજન્સી)વોશિંગ્ટન, એક ફેડરલ વાચડોગના અહેવાલ અનુસાર અમેરિકી સરકારના કોરોના રાહત કાર્યક્રમમાંથી લગભગ ૨૦૦ બિલિયન ડૉલરની મસમોટી ચોરી કરાઈ છે . સાથે એવા પણ અહેવાલ છે કે અમેરિકાના સ્મોલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (એસબીએ)એ ઉતાવળે ફંડ રિલીઝ કરવામાં તેનું નિયંત્રણ ગુમાવી દીધું.
સરકારની કોરોના વાયરસ ઈકોનોમિક ઈન્જરી ડિજાસ્ટર લોન (ઈઆઈડીએલ) અને પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામ (પીપીપી) જેવી યોજનાઓ હેઠળ ૧૭% ફંડ તો સંભવિત ફ્રોડ લોકોને આપી દેવાયું. આ માહિતી એસબીએના ઈન્સ્પેક્ટર જનરલના કાર્યાલય વતી જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં સામે આવી હતી.
કોરોના મહામારીના સમયગાળા દરમિયાન એસબીએદ્વારા ઈઆઈડીએલઅને પીપીપીયોજનાઓ હેઠળ ૧.૨ ટ્રિલિયન ડોલરનું વિતરણ કરાયું હતું. વોચડોગ દ્વારા કરાયેલા દાવા અનુસાર ૨૦૦ બિલિયન ડૉલરની છેતરપિંડી કરાઈ છે. એસબીએએ કહ્યું કે વોચડોગ દ્વારા રજૂ કરાયેલો ૨૦૦ બિલિયન ડોલરનો આંકડો વિવાદિત છે.
તે વધારી ચઢાવીને રજૂ કરાયો છે. એજન્સીએ કહ્યું કે અમારા નિષ્ણાતોના મતે કુલ ૩૬ બિલિયન ડોલરની જ છેતરપિંડી થઈ છે અને તેમાંથી ૮૬ ટકા ફ્રોડ તો ૨૦૨૦માં થયા હતા. તે સમયે રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં સત્તામાં હતા. વર્તમાન રાષ્ટ્રપતિ બાયડેને તો જાન્યુઆરી ૨૦૨૧માં સત્તા સંભાળી હતી.
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં સરકારી સહાય યોજનાઓને લગતી છેતરપિંડીના અનેક કેસની તપાસ ચાલી રહી છે. મે ૨૦૨૧માં એટોર્ની જનરલ મેરિક ગાર્લેન્ડે કોરોના ફ્રોડ એન્ફોર્સમેન્ટ ટાસ્ક ફોર્સની રચના કરી હતી. તેના માટે ફેડરલ પ્રોસિક્યૂટર તરીકે કેવિન ચેમ્બરની નિમણૂક કરાઈ હતી.