૧ જુલાઈથી અમરનાથ યાત્રા શરૂ થશે
૩ લાખનું રજિસ્ટ્રેશન, આજે પ્રથમ ટૂકડી અમરનાથ માટે રવાના થશે-શ્રદ્ધાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ ઃ સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી
નવી દિલ્હી, ૧ જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રા માટે અત્યાર સુધીમાં લગભગ ૩ લાખ શ્રદ્ધાળુઓએ એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આવતીકાલે ભગવતી નગરથી ભક્તોની પ્રથમ ટુકડી અમરનાથ ગુફા તરફ રવાના થશે. અમરનાથ શ્રાઈન બોર્ડ અને સ્થાનિક પ્રશાસને જણાવ્યું કે, શ્રદ્ધાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
જમ્મુ અને કાશ્મીરના પ્રવેશદ્વાર લખનપુરથી કાશ્મીર સુધી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે અન્ય જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. આ વર્ષે યાત્રામાં રેકોર્ડબ્રેક સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લે તેવી અપેક્ષા છે. ગત વર્ષે ૪૪ દિવસની યાત્રામાં લગભગ ૨૦ દિવસ ખરાબ હવામાનને કારણે પ્રવાસને ઘણી અસર થઈ હતી.
આ વખતે સુરક્ષા વ્યવસ્થામાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસના જવાનો, જેઓ પર્વતીય યુદ્ધની તાલીમ લે છે, તેમને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સને બદલે ગુફા મંદિરમાં તૈનાત કરવામાં આવ્યા છે.
જ્યારે આઈટીબીપી અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ લગભગ અડધો ડઝન કેમ્પની સુરક્ષા માટે તૈનાત કરાશે, જે અગાઉ દેશના પ્રાથમિક આંતરિક સુરક્ષા દળ સીઆરપીએફ દ્વારા રક્ષિત હતા. સીઆરપીએફ હજુ પણ ગુફા મંદિરના પગથિયાં નીચે તૈનાત રહેશે.
સૂત્રોએ આપેલ માહિતી અનુસાર, નવી વ્યવસ્થા “ઉભરતા સુરક્ષા જાેખમો અને પડકારોને” ધ્યાનમાં રાખીને અને “જમ્મુ અને કાશ્મીર પોલીસની જરૂરિયાતો” અનુસાર કરવામાં આવી છે.