ગુજરાતમાં ૨૨ ટકા કરતા વધારે વરસાદઃ મચ્છુ અને ભાદર-૨ના દરવાજા ખોલાયા
(એજન્સી)અમદાવાદ, રાજ્યમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ગુજરાતના અનેક જળાશયોમાં નવા નીર આવ્યા છે તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદના પગલે મચ્છુ અને ભાદર-૨ના દરવાજા ખોલવામાં આવ્યા હતા. આ સાથે જ ચોમાસાના પ્રારંભે જ ગુજરાતમાં સરેરાશ ૨૨ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે જેમા સૌથી વધુ કચ્છમાં વરસ્યો છે.
રાજ્યમાં હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. જેમા જૂનાગઢ શહેરમાં ૧૦ ઈંચ, ગિરનાર પર્વત પર ૧૨ ઈંચ વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે અનેક જળાશયોમાં નવા નીર આવ્યા છે તેમજ નદી નાળા અને ઝરણાં વહેતા થયા છે.
જૂનાગઢમાં વરસાદને પગલે અનેક વિસ્તારોમાં ગોઠણસમાં પાણી ભરાયા હતા. બીજી તરફ સુરેન્દ્રનગરના ચોટીલામાં ૨૪ કલાકમાં ૫ ઈંચ વરસાદ વરસતા ચોટીલા ડુંગર પરથી વરસાદી પાણી વહેતા થયા હતા જ્યારે લખતર અને સાયલામાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો.
વરસાદના કારણે મોરબીના મચ્છુ-૩ ડેમના બે દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા અને હેઠવાસના ૨૦ ગામોને ચેતવણી આપવામાં આવી છે. આ સાથે જ ચોમાસાના પ્રારંભે જ રાજ્યમાં સરેરાશ ૨૨.૯૦ ટકા વરસાદ વરસ્યો છે જેમા સૌથી વધુ કચ્છમાં ૭૬.૮૦ ટકા વરસાદ વરસ્યો છે.
તાપી જિલ્લામાં મોડી રાતથી વરસાદ શરુ થયો હતો જ્યારે ૨૪ કલાકમાં વ્યારામાં ૮ ઈંચ, વાલોડમાં ૯ ઈંચ, ડોવલણમાં ૭ અને સોનગઢમાં ૫ ઈંચ વરસાદ વરસી ગયો હતો જેના પગલે ઉકાઈ ડેમની સપાટી ૩૦૮.૪૫ ફૂટ પર પહોંચી ગઈ હતી. આ ઉપરાંત તાપીના સોનગઢનો ડોસવાડા ડેમ ઓવરફ્લો થયો હતો
તેમજ ચોમાસાના પ્રારંભે જ ડેમ ઓવરફ્લો થતા ૧૦ ગામોને એલર્ટ આપવામાં આવ્યુ હતું. આ સાથે જ અરવલ્લી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી અને ધનસુરા અને બાયડમાં ચાર ઈંચ, માલપુરમાં બે અને મોડાસામાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય પંથકમાં વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થયા હતા.