દર વર્ષે ૧લી જુલાઈના રોજ ‘રાષ્ટ્રીય ડોકટર દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે
ડૉક્ટર દિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલમાં સેવા આપતા ડૉક્ટરના શુભેચ્છા સંદેશ
સમાજને સ્વસ્થ રાખવાનું કામ કરતા ડૉકટરોને સન્માનવા અને તેમના યોગદાનની કદર કરવા દર વર્ષે ભારતમાં દર વર્ષે ૧લી જુલાઈના રોજ ‘રાષ્ટ્રીય ડોકટર દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે.
વિશ્વ કોરોના મહામારી દરમિયાન ડૉકટરોના અતુલનીય યોગદાનથી સુપરિચિત છે. આજે ડૉક્ટર્સ ડે નિમિત્તે અમદાવાદના જાણીતા ડૉકટર દ્વારા આપવામાં આવેલા વિશેષ સંદેશા મેળવીએ.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે સર્વે ડોકટર મિત્રોને શુભકામનાઓ પાઠવવા સાથે જણાવે છે કે આજે સમાજનો દરેક વર્ગ ડૉકટર પ્રત્યે આશા રાખે છે.
રોગથી પીડાતો દર્દી ડોકટર પ્રત્યે સહાનુભૂતિપૂર્વકના વર્તનની અપેક્ષા રાખતો હોય છે. ત્યારે આપણે સૌ ડૉક્ટરોએ તમામ દર્દી પ્રત્યે એવું વલણ અપનાવવું જોઈએ જેથી તેમનું અડધું દર્દ ગાયબ થઈ જાય. આજનો આ દિવસ ડૉકટરોની સેવાને બિરદાવવાનો દિવસ છે, એવું તેમણે ઉમેર્યું હતું.
મેડિસિન વિભાગના યુનિટ હેડ અને એસોસિયેટ પ્રોફેસર ડૉ. કાર્તિકેય પરમારે જણાવ્યું હતું કે આજના ખાસ દિવસે એટલું જરૂર કહીશ કે કોઈ પણ બીમારીમાં ડૉકટર ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે . ડોકટર દર્દીને રોગમુક્ત કરવા માટે અથાક પ્રયત્ન કરતો હોય છે.
આપણે ડોકટર બન્યા છીએ તો આપણે આપણા સમાજની સેવા કરીએ. વધુમાં તેમણે જણાવ્યું કે, કોરોના જેવી મહામારીમાં પણ પેરામેડીકલ સ્ટાફથી લઈ ડૉકટર સુધી તમામ લોકો ખડેપગે રહ્યા. બસ આવી જ રીતે સમાજની અને દેશની સેવામાં આપણે અવિરતપણે કાર્ય કરતા રહેવું જોઈએ, એમ ઉમેરી ડૉક્ટર્સ ડેની શુભકામના પાઠવી હતી.
સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડૉ. ચારુલ મહેતા જણાવે છે કે એક ડૉક્ટર તરીકે સેવા કરવાની પ્રેરણા મને મારા ડોકટર પિતા પાસેથી મળી છે.
હું ડૉકટર દિવસ નિમિત્તે સર્વે ડૉક્ટરોને કહેવા માંગુ છું કે, આપણે કોઈ પણ દર્દીને એક દર્દી તરીકે નહીં પરંતુ પરિવારજન ગણીને પારિવારિક વાતાવરણમાં સારવાર આપવી જોઈએ. સર્વે ડોકટર્સને શુભેચ્છાઓ.
સિવિલ હોસ્પિટલ, અમદાવાદના ગાયનેક વિભાગના હેડ ડૉ. એ. યુ. મહેતાએ સર્વે ડૉકટર મિત્રોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે અત્યારના સમયમાં હોસ્પિટલમાં આવતા તમામ દર્દી અનેક રોગથી પીડાતા હોય છે સાથે તેમના મનમાં અનેક પ્રકારની મૂંઝવણ પણ ચાલતી હોય છે, તેવા સમયે આપણે સૌ ડોકટરોની ફરજ બને છે કે, દર્દી અને તેના પરિવાર સાથે સંતોષપૂર્વક પરામર્શ કરી તેમને માનસિક રીતે સ્વસ્થ કરવા. જેટલો વધુ સમય આપણે દર્દીને આપી શકીએ તેટલો આપીએ, એવું તેમણે ઉમેર્યું હતું.
#NationalDoctorsDay નિમિતે સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના સહ પ્રાધ્યાપક ડો. ચારુલ મહેતા જણાવે છે કે, "આપણે કોઈપણ દર્દીને એક દર્દી તરીકે નહીં પરંતુ પરિવારજન ગણીને પારિવારિક વાતાવરણમાં સારવાર આપવી જોઈએ…."@civilhospamd pic.twitter.com/uXbDKNZ3dc
— Info Ahmedabad GoG (@infoahdgog) July 1, 2023
સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના હેડ અને પ્રોફેસર ડૉ. હિમાંશુ પંચાલે સર્વે ડૉકટર મિત્રોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે આજના સમયે ડૉકટર અને દર્દી વચ્ચેના સંબંધમાં થોડી ઊણપ આવી રહી છે. ત્યારે ડૉકટર અને દર્દી વચ્ચેનું અંતર અને વ્યાવસાયિકપણું વધી રહ્યું છે તેને દૂર કરીએ. આપણી જાહેર આરોગ્ય પ્રત્યેની ફરજને નિષ્ઠાપૂર્વક નિભાવીએ, એવો ભાવ તેમણે વ્યક્ત કર્યો હતો.