સુથરી બીચ ખાતે દરિયામાં કચ્છમાં એરફોર્સ અધિકારી અને પત્નિ ડૂબ્યા
(એજન્સી)ભૂજ, સૌરાષ્ટ્ર-કચ્છમાં અનરાધાર વરસાદને પગલે સ્થાનિક નદીઓમાં પૂર આવ્યા છે અને કેટલીક જગ્યાએ ડૂબી જવાને કારણે લોકોના મોત પણ થયા છે. એક આંકડા અનુસાર ૨૪ કલાકમાં ૧૨ જેટલા લોકોએ વરસાદને કારણે જીવ ગૂમાવ્યો છે.
આ દરમિયાન કચ્છમાં એરફોર્સના અધિકારી અને તેમના પત્નીનું સુથરી બીચ ખાતે દરિયામાં ડૂબી જવાને કારણે મોત થયાના અહેવાલ મળ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર દંપતી બીચ ખાતે ફરવા ગયા હતા તે સમયે આ ઘટના બનતા સ્થાનિક તંત્ર દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના શનિવારની હોવાનું જાણવા મળી રહ્યું છે. શોધખોળ બાદ એરફોર્સ અધિકારી અને તેમના પત્નીને દરિયામાંથી બહાર કાઢીને બંનેને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડાયા હતા. જાે કે, ત્યાં તેમને મૃત જાહેર કરાતા પોલીસે બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને ઘટના કેવી રીતે બની તે સહિતની દિશામાં તપાસ હાથ ધરી છે. હજી સુધી મૃતક દંપતીની ઓળખ જાહેર થઈ શકી નથી.
શનિવારે માંગરોળ સ્થિત બાલાગામના બે યુવાનો ઓસા ગામેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પાણીના વહેણમાં તણાઈ ગયા હતા. બનાવને પગલે સ્થાનિક લોકોએ કેરબાના સહારે પાણીમાં તરીને એક યુવકને તો બચાવી લીધો હતો, જ્યારે બીજાને શોધી શકાયો નથી. જેથી તેની શોધખોળ ચાલી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
જામનગરમાં પડેલા ભારે વરસાદને કારણે નદી-નાળાઓમાં પૂર આવતા અને ડેમોમાં નવા નીર આવ્યા છે. દરમિયાન શુક્રવારે પાણીમાં ડૂબવાથી ૪ના મૃત્યુ નોંધાયા હતા. આ દરમિયાન ગુલાબનગર નવનાલામાં પાણીના પૂરમાં તણાયેલા હાપામાં રહેતા રાજસ્થાની યુવકનો મૃતદેહ શોધી કઢાયો હતો.
જ્યારે કાલાવડ તાલુાના ભલસાણા ગામમાં રહેતો નવધણ સોલંકી નામનો યુવક જામનગર તાલુકાના જૂના મોખાણા પાસે નદી ઉપરના પુલ ઉપરથી પસાર થતાં તણાયો હતો. જે બાદ ફાયરની ટીમે તેની શોધખોળ કરીને મૃતદેહ બહાર કાઢ્યો હતો.