પાણીના વાલ્વ જમીનમાં ખૂબ ઊંડા હોવાથી કોલેરાનો રોગચાળો થયાનું તારણ
પાણીની મેઈન લાઈનના તમામ વાલ્વ જમીનમાંથી એક ફૂટ નીચે લાવી પ્લાસ્ટર કરાશે
ગાંધીનગર, ગાંધીનગર જિલ્લાના કોલેરાગ્રસ્ત કલોલમાં શુક્રવારે ઝાડા-ઉલ્ટીના વધુ પ કેસ નોંધાયા છે. આમ છેલ્લા ત્રણ દિવસથી ઝાડા-ઉલ્ટીના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો હોવાથી રોગચાળો કાબુ હેઠળ હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે. તેમજ કોલેરા થવાનું કારણ પાણીના વાલ્વ જમીનમાં વધારે પડતા ઉંડા (નીચા) હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે તે ઉપરાંત પાઈપલાઈનમાં કેટલાક લીકેઝ પણ ઝાડા-ઉલ્ટી માટે જવાબદાર છે.
જીલ્લા આરોગ્ય વિભાગ અને રોગચાળા નિયંત્રણ અધિકારીના જણાવ્યા અનુસાર કલોલ શહેરના કોલેરાગ્રસ્ત બે કિ.મી વિસ્તારમાંથી આજે ઝાડા-ઉલ્ટીના માત્ર પાંચ કેસ મળી આવ્યા છે. આમ છેલ્લા ત્રણ દિવસથી અનુક્રમે ૮.૬ અને પાંચ કેસ મળતાં રોગચાળો નિયંત્રણમાં આવી રહ્યો છે
તેમજ હજુ પણ ડોર ટુ ડોર સર્વે કામગીરી ઉપરાંત સતત પીવાના પાણીમાં કલોરીનેશન કરવામાં આવી રહ્યું છે તેમજ રોગચાળા સામે લોકજાગૃતિ માટે દરેક વ્યક્તિને સમજણ આપવામાં આવે છે.
સુત્રોએ જણાવ્યું કે કલોલમાં કોલેરા ફેલાવા પાછળ પાણીની પાઈપ લાઈનોનું ચેકિંગ મોટાપાયે હાથ ધરવામાં આવ્યું હતું તે દરમિયાન એવી હકીકત સામે આવી છે કે પાણીની ટાંકીમાંથી જે પાઈપ લાઈન પસાર થાય છે તેના મુખ્ય વાલ્વ જમીનની અંદર બે ફૂટથી વધારે ઉંડા છે
તેના કારણે વાલ્વની આસપાસ પાણીનો ભરાવો થવાથી બેકટેરિયા થવાથી પીવાનું પાણી દૂષિત થતુ હોવાનું ધ્યાનમાં આવ્યુ છે જેથી હવે એ તમામ મુખ્ય વાલ્વ જમીનમાંથી એક ફૂટ જેટલા નીચા મુકીને આજુબાજુમાં પ્લાસ્ટર કરવામાં આવશે. જેથી પીવાના પાણીમાં દૂષિત પાણી ભરાવાનો પ્રશ્ન રહેશે નહી. આ ઉપરાંત અત્યાર સુધીમાં ૧૦થી વધુ લિકેઝ મળી આવ્યા હતા તે તમામ લિકેઝનું રિપેરીંગ કામ પુરૂ કરવામાં આવ્યું છે.
જમીનમાં વધારે પડતા નીચા વાલ્વ ઉપરના લેવલે લેવા માટે જે તે વિભાગને સૂચના આપી દેવામાં આવી છે. પાણીના મેઈન વાલ્વ જમીનથી એક ફૂટ નીચે મુકીને આસપાસમાં પ્લાસ્ટર કરવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે જેથી ભવિષ્યમાં કલોલ શહેરમાં કોલેરા ફાટી નીકળવાનો પ્રશ્ન ઉપસ્થિત થશે નહી. જાેકે કલોલમાં છેલ્લા બે વર્ષમાં આ ત્રીજી વખત કોલેરાએ દેખા દીધી છે.