રાજ્યમાં ૨૪ કલાકમાં ૪૮ તાલુકામાં પડ્યો વરસાદ
અમદાવાદ, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૮ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ મેંદરડામાં પોણા ૪ ઈંચ વરસાદ પડ્યો હતો. રાજકોટના જેતપુરમાં સાડા ૩ ઈંચ, જામનગરના ધ્રોલમાં ૨ ઈંચ, પોરબંદરના કુતિયાણામાં દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ગારિયાધાર, જાેડિયા, ધારી, હાંસોટમાં ૧-૧ ઈંચ વરસાદ નોંધાયો હતો. નોંધનીય છે કે, અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૩૨ ટકા જેટલો નોંધાયો છે.
રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૩૨ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ ૮૭.૪૪ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૪૬.૪૧ ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં ૨૯.૨૯ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૨૬.૦૯ ટકા, પૂર્વ ગુજરાત ઝોનમાં ૨૦.૪૦ ટકા સીઝનનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે.
ગુજરાતમાં લગભગ તમામ તાલુકાઓમાં શ્રીકાર વર્ષાને પરિણામે રાજ્યમાં તારીખ ત્રણ જુલાઈએ સવારે આઠ કલાકની સ્થિતિએ કુલ ૨૦૬ જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના ૩૮.૬૧ ટકા પાણીનાં જથ્થાનો સંગ્રહ થયો છે. ગત વર્ષે આ સમયે ૩૭.૧૬ ટકા સામે આ વર્ષે ૪૪.૩૮ ટકા જળાશયો ભરાયા છે.
આ માહિતી સ્ટેટ ફ્લડ કન્ટ્રોલ સેલ, ગાંધીનગરના અહેવાલમાં જણાવાયું છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ-જળાશયમાં કુલ સંગ્રહ શક્તિના ૫૫.૧૭ ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. જયારે ગુજરાતના ૧૯ જળાશયો ૧૦૦ ટકાથી વધુ એટલે સંપૂર્ણ છલકાયા છે.
૨૯ જળાશયોમાં ૭૦ ટકાથી ૧૦૦ ટકા, ૨૫ જળાશયો ૫૦થી ૭૦ ટકા તેમજ ૫૪ જળાશયો ૨૫થી ૫૦ ટકા વચ્ચે ભરાયા છે. બીજી બાજુ, આગામી પાંચ દિવસની વરસાદની આગાહી કરતાં મનોરમા મોહંતીએ જણાવ્યું કે, બે દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં જ ખૂબ ઓછા વરસાદની સંભાવના છે.
માત્ર હળવો અને સામાન્ય વરસાદની આગાહી છે. જ્યારે આ દરમિયાન સુરત અને ભરૂચમાં ભારે વરસાદ થઇ શકે છે. ત્રણ દિવસ બાદ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં વરસાદની ગતિવિધિ ફરી તેજ થવાની સંભાવના છે. જ્યારે આગામી ચોથા અને પાંચમા દિવસે ભારે વરસાદનું એલર્ટ પણ આપ્યું છે. એટલે કે ૬ અને ૭ તારીખ માટે એલર્ટ આપવામાં આવ્યું છે. ૬ તારીખની વાત કરીએ તો સાઉથ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ થઇ શકે છે.SS1MS