છાત્રાલયના રિનોવેશનની કામગીરીનું નિરીક્ષણ કરવા રાજ્યપાલ ગુજરાત વિદ્યાપીઠ સંકુલની ઓચિંતી મુલાકાતે
ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિદ્યાપીઠ સંકુલની ઓચિંતી મુલાકાત લઈને રિનોવેશનની કામગીરીનું નિરીક્ષણ કર્યું
ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે ગુજરાત વિદ્યાપીઠ સંકુલની ઓચિંતી મુલાકાત લઈને અનુસ્નાતક કુમાર છાત્રાલયના રિનોવેશનની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે છાત્રાલયના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને સ્વચ્છતા જાળવવાનો આગ્રહ કર્યો હતો.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને અભ્યાસમાં તેજસ્વીતા દાખવવા, સખત મહેનત કરીને ગુજરાત વિદ્યાપીઠનું નામ રોશન કરવા અનુરોધ કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને વ્યાયામનું મહત્વ સમજાવીને રમત-ગમતમાં પણ વિશેષ રુચિ લેવા આગ્રહ કર્યો હતો.
કુલપતિ શ્રી આચાર્ય દેવવ્રતજી વિધાપીઠ સંકુલમાં આવ્યા હોવાની જાણકારી મળતાં જ કાર્યકારી કુલનાયક શ્રી ડૉ. ભરતભાઈ જોશી અને કાર્યકારી રજીસ્ટ્રાર શ્રી નિખિલભાઇ ભટ્ટ અનુસ્નાતક છાત્રાલય આવીને સાથે જોડાયા હતા.
ગુજરાત વિદ્યાપીઠ સંકુલમાં મુખ્ય કાર્યાલય અને અન્ય ભવનોની મુલાકાત પછી કુલપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, સ્વચ્છતા એ પૂજ્ય ગાંધીજીનો મુખ્ય વિચાર હતો. તેઓ સ્વચ્છતાના ચુસ્ત આગ્રહી હતા, એટલે ગુજરાત વિદ્યાપીઠ સંકુલમાં સ્વચ્છતા અને સુઘડતાનું વિશેષ ધ્યાન રાખવામાં આવે એ અત્યંત જરૂરી છે.
આ વેળાએ ગુજરાત વિદ્યાપીઠ મંડળના સભ્ય શ્રી ડૉ. હર્ષદભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.