જેતપુરમાં ૬ મકાનો ધરાશાયી, બે બાળકો સહિત ૩ લોકોનાં મોત
(એજન્સી)જેતપુર, જેતપુરના ગોદરા વિસ્તારમાં ૬ મકાનો ધરાશાયી થવાની ઘટના બની છે. અહીં ઉપરવાસમાં ભારે વરસાદ થતાં ગઢની રાંગની ભેખડ ધસી પડતાં આ દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં ૬ વ્યક્તિઓ દટાયા હોવાની વિગતો સામે આવી છે. આ દુર્ઘટનામાં બે બાળકી અને એક વૃદ્ધનનું મોત નિપજ્યાની પુષ્ટી થઇ છે. ત્યાં જ કાટમાળ નીચે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ હાથ ધરાયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જેતપુરના ગોદરા વિસ્તારમાં ઉપરવાસમાં ભારે વરસાદ થતાં વર્ષોજૂની ગઢની રાંગની ભેખડ ધસી પડતાં આ દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં બે બાળકી અને એક વૃદ્ધ મહિલાનું મોત નિપજ્યું છે. ત્યાં જ શોધખોળ માટે સ્થાનિકો અને પોલીસ જહેમત કરી રહી છે.
બીજી તરફ આ ઘટનાની જાણાકારી મળતા જ ધારાસભ્ય જયેશ રાદડિયા ઘટના સ્થળે પહોંચ્યા છે.જેતપુરના ગોદરા વિસ્તારમાં આવેલ ૬ જેટલા જર્જરિત મકાનો ધરાશાયી થયા છે. અંદાજે ૧૦૦ વર્ષ જુના ૬ મકાનો ધરાશાઈ થતા મકાનમાં હાજર ૬ વ્યક્તિઓ દટાયા હોવાની વિગતો સામે આવી રહી છે. ત્યા જ ૨ નાના બાળકો સહિત ૩નું રેસ્ક્યુ હાથધરાયુ છે.
ત્રણેય ઈજાગ્રસ્તોને હાલમાં સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જાેકે સરકારી હોસ્પિટલ માં સારવાર દરમ્યાન એક નાની બાળકીનું મોત નિપજ્યું છે. અન્ય ૨ ફસાયેલા વ્યક્તિઓનું રેસ્ક્યુ ઓપરેશન હાલમાં ચાલી રહ્યું છે. કાટમાળ નીચે ફસાયેલાઓની શોધખોળ માટે સ્થાનિકો અને પોલીસ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડી રહી છે.
આ ઘટનામાં આઠ વ્યક્તિને જેતપુર સરકારી હોસ્પિટલ સારવાર અર્થ ખસેડવામાં આવ્યા છે. જેમાં વૃદ્ધા જયાબેન રાજુભાઈ મકવાણા (ઉ.વ. ૫૦) અને બે બાળકી મેઘના અશોકભાઈ મકવાણા (ઉ.વ. ૧૦) અને સિદ્ધિ વિક્રમભાઈ શાસડા (ઉ.વ. ૭) વર્ષીયના મોત અને પાંચ ઈજાગ્રસ્ત સારવાર હેઠળ છે.
આ ઘટનાની જાણકારી મળતા જ ધારાસભ્ય જયેશ રાદડિયા હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોની મુલાકાત કરી અને મૃતકો પ્રત્યે સંવેદના બતાવી અને ઈજાગ્રસ્તોને સારવાર મળી રહે અને વધુ જણાય તો રાજકોટ પણ સારવાર માટે મોકલવાની બાંહેધરી આપી હતી.